November 28, 2024

કાલુપુર રેલવે સ્ટેશન પર 3 બાળકોને તરછોડનાર પિતા આખરે ઝડપાયો

મિહિર સોની, અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશનના બુકિંગ ઓફિસ પર 3 બાળકોને તરછોડી દેનાર પિતા આખરે ઝડપાયો છે. ઘર કંકાસમાં પત્ની ઘર છોડીને જતી રહી હોવાથી એક પિતાએ ત્રણ બાળકોને તરછોડી દીધા હતા. રેલવે પોલીસે કળિયુગના પિતા અને તેના ભાઈની ધરપકડ કરી છે.

ઘરકંકાસ બાદ પત્ની ઘર છોડીને જતી રહી હતી

રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે આરોપી પિતા રાહુલ રાજપૂતે પોતાના બાળકોને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે તરછોડી દીધા હતા. આ કળિયુગનો પિતા પોતાની જવાબદારી માંથી છુટવા માટે બાળકોને ત્યજી દીધા હતા. આરોપી રાહુલની પત્ની રાખી ઘરકંકાસમાં ઝઘડો થતાં રિસાઇને ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ, પત્નીની ગેરહાજરીમાં 3 બાળકોને કોણ સાચવશે તેવા ડરથી પિતા રાહુલ રાજપૂત તેના ભાઈ આશિષ રાજપૂત સાથે ભેગા મળી બાળકોને તરછોડી દીધા.

પિતા અને તેના ભાઈની સાણંદથી ધરપકડ કરાઇ

પિતા દ્વારા તરછોડાયેલ ત્રણેય બાળકો 16 જૂનની વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન બુકિંગ ઓફિસ પાસેથી મળી આવ્યા હતા. આ બાળકો ક્યાંથી લવાયા હતા તે શોધવા રેલવે પોલીસે સીસીટીવીની તપાસ કરતા એક ટુ વ્હીલર પર રાહુલ અને તેનો ભાઈ આશિષ ત્રણ બાળકો લઈ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં પ્લેટફોર્મ નજીક નાસ્તો લઈ બુકિંગ ઓફિસમાં બાળકોને બેસાડીને છૂ થઈ ગયા હતા. સીસીટીવીના આધારે આરોપી પિતા રાહુલ અને તેનો ભાઈ આશિષની સાંણદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

પકડાયેલ આરોપી રાહુલ રાજપૂત મૂળ યુપીનો છે અને સાંણદ રહી મજૂરી કામ કરતો હતો. બે વર્ષ પહેલા જ રાહુલે પોતાના ગામની રાખી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. રાખી નામની મહિલાના અગાઉ લગ્ન થયા હતા જે છૂટાછેડા થતા દીકરો અને દીકરી એમ બે બાળકો સાથે રાહુલ જોડે લગ્ન કરી રહેતી હતી. ત્યારે રાહુલ સાથે લગ્ન કર્યા બાદ એક બાળકીનો જન્મ થયો હતો. જે હાલ 10 માસની બાળકી છે. આમ ત્રણેય બાળકોનું વિચાર્યા વગર જ 15 મી તારીખ રાત્રીના ઘર કંકાસમાં ઝઘડો થતા પત્ની રાખી ઘર છોડી જતી રહી હતી. જેથી વહેલી સવારે આરોપી રાહુલે ત્રણેય બાળકોને તરછોડવાનું નક્કી કરીને રેલવે સ્ટેશન મૂકી દીધા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

રેલવે પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પત્ની રિસાઈને જતી રહેતા પિતાએ બાળકોને ત્યજી દીધા છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.