October 3, 2024

iPhone ઓનલાઈન મંગાવી ડિલિવરી બોયની કરી હત્યા, લાશને કેનાલમાં ફેંકી

Delivery Boy Kill: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 30 વર્ષીય ડિલિવરી બોયની કથિત રીતે હત્યા કરવામાં આવી જ્યારે તે એક ગ્રાહકને આઇફોન ડિલિવરી કરવા ગયો હતો. અહેવાલ મુજબ લખનઉના ચિન્હાટ વિસ્તારના રહેવાસી ગજાનને ફ્લિપકાર્ટ પરથી લગભગ 1.5 લાખ રૂપિયાનો આઈફોન ઓર્ડર કર્યો હતો. આ ચૂકવવા માટે તેણે કેશ ઓન ડિલિવરી (COD)નો વિકલ્પ પસંદ કર્યો હતો. 23 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય ગજાનનના ઘરે આઇફોન ડિલિવરી કરવા પહોંચ્યો હતો. આ પછી ગજાનન અને તેના સાથીઓએ ડિલિવરી બોય ભરત સાહુનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી તેઓએ લાશને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધી હતી.

માહિતી અનુસાર, હત્યા બાદ ડિલિવરી બોયના મૃતદેહને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને તેને શોધવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમને બોલાવવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શશાંક સિંઘે જણાવ્યું હતું કે ચિન્હટના ગજાનને ફ્લિપકાર્ટ પરથી આશરે રૂ. 1.5 લાખની કિંમતનો આઇફોન મંગાવ્યો હતો અને COD (કેશ ઓન ડિલિવરી) ચુકવણીનો વિકલ્પ પસંદ કર્યો હતો.

મિત્રો સાથે મળીને હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી
23 સપ્ટેમ્બરે નિશાતગંજમાં રહેતો ડિલિવરી બોય ભરત સાહુ તેના ઘરે ફોનની ડિલિવરી કરવા ગયો હતો. જ્યાં ગજાનન અને તેના સાથીદારે તેની હત્યા કરી હતી. સાહુનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને બોરીમાં ભરીને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધી હતી. જ્યારે સાહુ બે દિવસ સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે તેના પરિવારે 25 સપ્ટેમ્બરે ચિનહાટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સાહુની કોલ ડિટેઈલ્સ સ્કેન કરતી વખતે અને તેનું લોકેશન શોધતી વખતે પોલીસે ગજાનનનો નંબર શોધી કાઢ્યો અને તેના મિત્ર આકાશ સુધી પહોંચી.

હજુ સુધી કેનાલમાંથી લાશ નથી મળી
ડીસીપી અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આકાશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. હત્યા બાદ આકાશ પણ મુંબઈ ભાગી ગયો હતો. આ સાથે ડિલિવરી બોય હત્યા કેસ મામલે નવો ખુલાસો થયો છે.  ડિલિવરી પહેલા મોબાઈલ ફોનનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં આરોપી ડિલિવરી બોયનો પર્સનલ નંબર માંગે છે. બાદમાં પર્સનલ નંબર લઈને એક કલાક સુધી વાત કરીને તેને ગેરમાર્ગે દોર્યા બાદ તેને ખોટી જગ્યાએ બોલાવી લેપટોપના ચાર્જરના વાયર વડે ડિલિવરી બોયનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ડિલિવરી બોય હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપી ગજાનને આત્મસમર્પણ કર્યું છે. આરોપીએ બુધવારે કુર્સી પોલીસ સ્ટેશનમાં અન્ય એક કેસમાં આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે પોલીસે હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપી આકાશની ધરપકડ કરી લીધી છે.બીજી બાજુ, હજુ સુધી પોલીસને લાશ મળી નથી. ડીસીપીએ કહ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમ પીડિતાના મૃતદેહને કેનાલમાં શોધવાનો પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં મૃતદેહ મળી આવશે.