ભવનાથમાં દિવાળી જેવો માહોલ; મંદિરો, અખાડા, આશ્રમો રોશનીથી ઝળહળી ઉઠ્યા

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીનો મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રીના રોજ રવાડી અને શાહી સ્નાન માટે લોકોની ભીડ જામે છે, નાગા સાધુની રવાડી બાદ મૃગીકુંડમાં નાગા સાધુના સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતી થાય છે. મેળા દરમિયાન ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મેળાને લઈને સમગ્ર ભવનાથમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. મંદિરો, અખાડા, આશ્રમો રોશનીથી ઝળહળી ઉઠે છે. નાગા સાધુઓના દર્શન માટે લોકોની ભીડ જોવા મળે છે.

જૂનાગઢના ગરવા ગિરનારની તળેટી કે જે ભવનાથ વિસ્તાર તરીકે ઓળખાય છે અને અહીં બિરાજમાન છે. ભગવાન ભવનાથ મહાદેવ અને ભવનાથમાં મહા વદ નોમથી ધજા ચડે છે અને મહાશિવરાત્રીનો મેળો શરૂ થાય છે. આ મેળો ભક્તિ ભજન અને ભોજનનો મેળો છે. આ મેળામાં પુણ્યનું ભાથું બાંધવા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. મહાશિવરાત્રીના પર્વને લઈને ભવનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સાધુ-સંતો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે.

મહાશિવરાત્રી એટલે ભવનાથ માટે મોટો ઉત્સવ, અને આ મહાશિવરાત્રીના પર્વને લઈને સમગ્ર ભવનાથ વિસ્તારમાં જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાય છે. ભવનાથ વિસ્તારમાં આવેલા તમામ મંદિરો, આશ્રમો અને અખાડાઓમાં રોશની કરવામાં આવે છે. રાત્રીના સમયે તમામ ધાર્મિક સ્થાનો રોશનીથી ઝળહળી ઉઠે છે અને એક સુંદર નજારો જોવા મળે છે. રાત્રીના સમયે પણ ભવનાથમાં લોકો ખાસ રોશની જોવા માટે ઉમટી પડે છે અને ભવનાથના મેળાની સુંદરતાનું દર્શન થાય છે. મહાશિવરાત્રીનો મેળો એટલે નાગા સાધુનો મેળો અને મોટી સંખ્યામાં નાગા સાધુઓ આ મેળામાં આવે છે. ત્યારે લોકો પણ આ નાગા સાધુના દર્શન કરે છે. ધુણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓ ચલમ ફુંકતાં હોય છે અને તેમની લાંબી જટા સાથેનું રૂપ જાણે શિવના દર્શન થતાં હોય તેવો ભાવ જગાવે છે.