May 20, 2024

વિસનગરમાં ઉજવાતી અનોખી ધૂળેટી, એકબીજાને ખાસડાં મારે છે

Visanagar Dhuleti

વિસનગરમાં ધૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવે છે.

આશિષ પટેલ, મહેસાણાઃ ધૂળેટી એટલે રંગોનું પર્વ. મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડાં મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારૂં જાય છે. જો કે, હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાંનું સ્થાન રીંગણા-બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઈ લીધુ છે. અલબત આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે.

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે 150 વર્ષથી ખાસડા યુદ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.

આ પણ વાંચોઃ આદિવાસીઓની પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી, પુરુષો ઘૈરીયા બન્યા

કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂં જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડાં યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઈ રાજ્યમાં હતું. ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઈ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાંનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તના શાકભાજીએ લીધું છે.