December 4, 2024

હરિયાણાના કૈથલમાં દશેરાના દિવસે મોટો અકસ્માત, કાર કેનાલમાં પડતા એક જ પરિવારના 7 લોકોના મોત

Haryana: હરિયાણાના કૈથલમાં દશેરાના દિવસે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં એક કાર બેકાબુ થઈને કેનાલમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના કરૂણ મોત થયા હતા. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં ત્રણ બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

ઘટનાસ્થળે હાજર રાહદારીઓએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. કેનાલમાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. મૃતક પરિવાર ડીગ ગામનો રહેવાસી હતો.

ડીએસપીએ શું કહ્યું?
ડીએસપી લલિત કુમારે જણાવ્યું કે, હરિયાણાના કૈથલમાં બાબા લડાનાના મેળામાં ભાગ લેવા માટે એક પરિવાર કાર દ્વારા જઈ રહ્યો હતો. તે દરમિયાન કાર મુન્દ્રી નજીક કેનાલમાં પડી હતી. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. પોલીસે આ ઘટનાની માહિતી મૃતકના પરિજનોને મોકલી આપી છે. અલ્ટો કારને કેનાલમાંથી બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: માંગરોળ ગેંગરેપના ત્રીજા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે જણાવ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવશે. કારમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે નહીં કે ડ્રાઈવરે પોતે જ ખોટી રીતે ગાડી ચલાવી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. રાહદારીઓ પાસેથી પણ માહિતી લેવામાં આવી છે. પોલીસને શંકા છે કે કારમાં સવાર તમામ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જો કે, એક અધિકારીએ કહ્યું કે મૃત્યુનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.