September 8, 2024

માઈક્રો’STOP’ ડિજિટલની રડતી દુનિયા પાછળ રશિયન ક્નેક્શન

Microsoft Outage: તારીખ 19 જુલાઈ 2024નો દિવસ આઈટી ટેકનોલોજીની દુનિયામાં અંધારપટ ગણવામાં આવે તો કંઈ ખોટું નથી. કારણ કે, જે રીતે ઈલેક્ટ્રિક સિટી જાય અને સર્વત્ર અંધારુ થઈ જાય એવું જ ઈન્ટરનેટની દુનિયામાં બન્યું છે. માઈક્રોસોફ્ટની સર્વર સ્પેસ લઈને બેઠેલા તમામ ક્લાઈન્ટ રાતા પાણીએ રડતા થઈ ગયા હતા. કરોડો રૂપિયાનું નુકસાન થયું એ અલગ. ખાસ કરીને એવિએશન સેક્ટર અને બેંક સેક્ટરમાં ખાસ્સી એવી અસર થઈ છે. ક્રાઉડ સ્ટ્રાઈકની એક અપડેટે દુનિયાને ઊંધી વાળી દીધી એવું કહેવામાં કંઈ ખોટું નથી.

સિક્યોરિટી કંપનીએ બધાને ઈન-સિક્યોર કર્યા
ક્રાઉડ સ્ટ્રાઈક એક સાયબર સિક્યોરિટી સર્વિસ કંપની છે. જેની સેવા માઈક્રોસોફ્ટે લીધી હતી. જે માઈક્રોસોફ્ટને બીજા સોફ્ટવેર કે સાયબર હુમલાથી બચાવવાનું કામ કરે છે. એક અપડેટ રીલિઝ કરી એમાં કેટલીય સર્વિસની પથારી ફરી ગઈ.વિન્ડોઝ પર કામ કરતી લાખો-કરોડો સિસ્ટમ એક ઝાટકે પડી ભાંગી. જે પાછળ ક્રાઉડ સ્ટ્રાઈક જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેની અપડેટનું કોન્ફિગર યોગ્ય ન હોવાને કારણે કેટલીય સિસ્ટમમાં મોટું નુકસાન થયું.

આ પણ વાંચો: Microsoftનું સર્વર ડાઉન થતાં હડકંપ, દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પર અસર

કંપનીના અધિકારીનું નિવેદન
ક્રાઉડ સ્ટ્રાઈક કંપનીના સીઈઓ જ્યોર્જ કુર્ટઝે કહ્યું હતું કે, તેઓ પોતાના ગ્રાહકો સાથે મળીને આ સિસ્ટમના ઈશ્યું પર કામ કરી રહ્યા છે. આ મુશ્કેલી એટલા માટે ઊભી થઈ હતી કે, વિન્ડોઝ હોસ્ટ માટે એક લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી હતી.જેની એક અસર લિન્કસ અને મેક સિસ્ટમ પર થઈ નથી. આ કોઈ જ પ્રકારનો સાયબર હુમલો નથી. સાયબર એક્સપર્ટ ત્યાં સુધી કહે છે કે, કોઈ સાયબર અટેક નથી. પણ શક્યતાઓને નકારી ન શકાય. આ ભંગાણ એક એવા સમયે થયું છે જ્યારે અમેરિકામાં ચૂંટણી આવી રહી છે. થોડા દિવસો પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહી ચૂકેલા ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો. હવે આ પ્રકારના ડિજિટલ અટેકથી ક્યાંક રાજકીય રંગ લાગે એવા એંધાણ વર્તાય છે.

રશિયા ક્નેક્શન
આ કંપનીની શરૂઆત વર્ષ 2012માં જ્યોર્જ કુર્ટઝ, ડિમિટ્રી અલ્પેરોવિચ અને ગ્રીગ માર્ટસને કરી હતી.ડિમિટ્રી કંપનીના સહ સ્થાપકની સાથોસાથ પૂર્વ CTPO પણ રહ્યા હતા. તે એમના પરિવાર સાથે અમેરિકાથી રશિયા શિફ્ટ થયા હતા. વર્ષ 1980માં જન્મેલા આ વ્યક્તિ ફેબ્રુઆરી 2020માં કંપનીથી છૂટા પડી ગયા હતા. તેમણે રશિયા-યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને લઈને પણ કેટલાક અનુમાન લગાવ્યા હતા.કેટલાક નિષ્ણાંતો આને સાયબર હુમલો ગણાવી રહ્યા છે. કારણ કે, જ્યારે કોઈ મોટો સાયબર હુમલો થાય છે ત્યારે આ જ પ્રકારનો માહોલ જોવા મળે છે. સર્વર ડાઉન થવાના અનેક કારણો હોય છે. જ્યારે એકસાથે વધારે પડતી રિક્વેસ્ટ આવી જાય તો પણ સર્વર પર માર પડે છે. અહીં કેસ જુદો છે. જે અપડેટ સાથે જોડાયેલો છે. સવાલ એ થાય છે કે, માઈક્રોસોફ્ટ જેવી કંપનીએ આ સિક્યોરિટી કંપનીને કોઈ જ પ્રકારના ટેસ્ટ વગર આ અપડેટ રીલિઝ કરવાની મંજૂરી કેવી રીતે આપી દીધી? શું સિક્યોરિટી કંપનીએ ઈનહાઉસ કોઈ સિસ્ટમ પર આની તપાસ નહીં કરી હોય? નેટવર્કમાં ટેસ્ટ થઈ પણ હોય તો પણ આટલી મોટી સંખ્યામાં સિસ્ટમ પર અસર થાય એવું વિચાર્યું નહીં હોય?

ડ્રાયરનને સમજો
જ્યારે કોઈ પણ મોટી આઈટી કંપની કોઈ સિસ્ટમલક્ષી અપડેટ આપે છે ત્યારે તે પહેલો પ્રયોગ પોતાની કંપનીમાં કરે છે. જેને ડ્રાયરન કહેવામાં આવે છે. જેમાં કેટલીક સિસ્ટમમાં એક સાથે મોટી સંખ્યામાં અપડેટ આપવામાં આવે છે.પછી ચોક્કસ સમય સુધી એને મોનિટર કરવામાં આવે છે. જો કોઈ મુશ્કેલી ન થાય તો વર્લ્ડ વાઈડ એને જાહેર કરવામાં આવે છે. આ કેસમાં એટલી બધી સર્વિસને માઠી અસર થઈ કે, નુકસાન કરોડોની ઉપર પણ જઈ શકે.