October 6, 2024

મોરબીમાં ફિલ્મી ઢબે સ્કોર્પિયોને સ્વિફ્ટ કાર ઉપર ચડાવી હુમલો કરનારા પાંચ પકડાયા

ડેનિશ દવે, મોરબીઃ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર સિન્ધુ ભવન નજીક ગઈકાલે સાંજના સમયે ફિલ્મી સ્ટાઈલથી સ્કોર્પિયો કાર વડે સ્વીફ્ટ કારને ઉપરાઉપરી ટક્કર મારી ધોકા, પાઇપ સહિતના હથિયાર વડે કારમાં તોડફોડ કરવા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઇંડાની લારી રાખવા બાબતે થયેલા હુમલાની આ ઘટનામાં સ્કોર્પિયો અને પાઇપમાં ફિટ કરેલા ચક્ર સહિતના હથિયાર પણ કબ્જે લેવામાં આવ્યા છે.

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સિન્ધુ ભવન નજીક ગત શનિવારે સાંજના સમયે જીજે – 36 – એફ – 4143 નંબરના સ્કોર્પિયો કારના ચાલકે જીજે – 36 – એએફ – 8150 નંબરની રોડ ઉપર ઉભેલી સ્વીફ્ટ કારને ફિલ્મી સ્ટાઈલથી ઉપરાછાપરી ત્રણ ટક્કર મારતા કારમાં બેઠેલા ફરિયાદી મુસ્તાક કાસમભાઈ સંધવાણી, જુસબ ગફુરભાઈ જામ અને સુલતાન સુલેમાન સુમરાને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલના દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ દ્વારકામાં જમીન બાબતે સગા દીકરાએ બાપને મોતને ઘાટ ઉતાર્યો

આ બનાવમાં ફરિયાદી મુસ્તાકભાઇ કાસમભાઇ સંધવાણી, રહે. લાતીપ્લોટ જોન્સનગર-10 મોરબી વાળાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી આમદ કાસમ કટીયા (૨) અકબર ઉર્ફે અકુકાસમભાઇ કટીયા (૩) વસીમ યુનુશભાઇ સેડાત ૪) જુસબ દિલાવરભાઇ માણેક રહે. બધા વીસીપરા મોરબી તથા (૫) ફિરોજ સુલેમાન માલાણી રહે.વાવડીરોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલા સ્કોર્પિયો કાર અને પાઈપમાં ફિટ કરેલા ચક્કર સહિતના હથિયાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.