May 17, 2024

બાબા મહાકાલના દરબારમાં હવે ‘રીલ’ બનાવવી પડશે ભારે, નવી ગાઈડલાઈન જારી

Mahakal Temple Guideline: વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં ભક્તો દર્શનની ઈચ્છા સાથે આવે છે પરંતુ કેટલાક એવા પણ છે જે રીલ બનાવે છે અને પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. આવા લોકો પર કડક કાર્યવાહી કરવાના હેતુથી મહાકાલ મંદિર પ્રબંધન સમિતિએ કેટલીક માર્ગદર્શિકા બનાવી છે. તેનું ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. જો કોઈ ભક્ત મંદિરમાં રીલ બનાવતો જોવા મળે તો તેને પહેલા સલાહ આપવામાં આવશે. જો તે ન માને તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના નવા વહીવટદાર મૃણાલ મીણાએ ચાર્જ સંભાળતાની સાથે જ શ્રી મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. હવે તેઓએ મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. મીણાએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે જે ભક્તો મંદિરમાં બાબા મહાકાલના દર્શન કરવા આવે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય. અમે ભક્તોને શ્રેષ્ઠ વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આ પછી પણ શ્રી મહાકાલેશ્વર મેનેજમેન્ટ કમિટીની સૂચનાનો ભંગ થઈ રહ્યો છે. હવે આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહાકાલેશ્વર મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ છે. ઘણા ભક્તો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. જો કોઈ સુરક્ષાકર્મી તેમને આમ કરતા રોકે તો તેઓ તેને માર પણ મારતા હતા. આવા લોકોને પહેલા સલાહ આપવામાં આવશે. જો તે નહીં માને તો શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે.
રીલ બનાવવાને લઈને અગાઉ પણ બબાલ થઇ હતી 
મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીતો પર ડાન્સ વીડિયો બનાવવાના કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે. એક યુવતીએ ગર્ભગૃહમાં બાબા મહાકાલને અભિષેક કરતી રીલ બનાવી હતી. મંદિર પરિસરમાં એક યુવતી ડાન્સ કરતી જોવા મળી હતી. મહાકાલ મંદિરમાં વીડિયો શૂટ કરવા સામે પૂજારીઓએ પણ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે મંદિર સાથે જોડાયેલા ફિલ્મી ગીત-ડાન્સ વીડિયો બનાવવો એ વાંધાજનક છે.
બે દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો થયો હતો
શ્રી મહાકાલેશ્વર મંદિરના સુરક્ષાકર્મીઓ, શિવાની પુષ્પદ, સંધ્યા પ્રજાપતિ, સંગીતા ચાંગાસિયાએ શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ચારથી પાંચ મહિલા શ્રદ્ધાળુઓ અને યુવતીઓને વીડિયો રીલ બનાવવાની મનાઈ ફરમાવી હતી. જેના કારણે યુવતીઓએ સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ પણ કરી હતી. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સિક્યોરિટી ગાર્ડ શિવાની પુષ્પદની ફરિયાદ પર, આરોપી નાગડા નિવાસી પલક ચૌહાણ, પરી ચૌહાણ અને અન્ય લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 323, 294, 506 અને 34 હેઠળ મહાકાલ પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.