આદિવાસીના પરંપરાગત ગોળ-ગધેડાના મેળાનું આયોજન, હજારો લોકો ઉમટ્યાં
ડોડીયાર નીલુ, દાહોદઃ જિલ્લામાં પરંપરાગત રીતે ગોળ-ગધેડાનો મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આસપાસના જિલ્લાના લોકો પણ આ મેળામાં પહોંચ્યા હતા.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં યોજાયેલા ગોળ-ગધેડાના મેળામાં હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. જેમાં દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોના લોકો મેળો જોવા ઉમટી પડ્યા હતા. ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચીન કાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતા વિશ્વ પ્રસિદ્ધ દાહોદ જિલ્લામાંનો જેસાવાડાનો ગોળ-ગધેડાનો મેળો ગુજરાત સહિત દેશમાં આગવું મહત્વ ધરાવે છે. પરંપરાગત ચાલતો મેળો પશ્ચિમી સંસ્કૃતિના વ્યાપ વચ્ચે આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં અડીખમ રહ્યું છે.
આ પણ વાંચોઃ અમરેલી ઉમેદવારના વિવાદનો અંત, ભરત સુતરિયાને 5 લાખની લીડથી જીતાડવાનો દાવો
આમ તો દાહોદ જિલ્લામાં હોળી પર્વની સાથે વિવિધ જેટલા મેળાઓ યોજાય છે. જેમાં પ્રાચીન કાળમાં સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલો ગોળ-ગધેડાનો મેળો જેસાવાડા ખાતે પરંપરાગત રીતે ભરાયો હતો. આ મેળો વિશ્વ વિખ્યાત મેળો ગણાય છે. મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવ્યો હતો. આશરે 25થી 30 ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવી હતી. આ થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ સાંસ્કૃતિક લોકગીતો ઢોલના તાલે નાચતી નાચતી હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ઘુમતી નજરે પડી હતી. તેમની નજર ચૂકવી યુવાનો સીમલીયાનાં લીસા થડ ઉપર ચઢવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજની ચીમકી – રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે BJP
ગોળગોળ ઘુમતી યુવતીઓ આ યુવાનોને સોટીના માર મારી ઉપર ચઢતા રોકતી યુવતીઓ નજરે પડી હતી. કહેવાય છે કે, જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ઘુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે પ્રથામાં બદલાવ આવ્યો છે. જો કે, હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે. તેમ છતાં મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. મેળામાં ખાણી-પીણીના સ્ટોલો, રમત ગમતના હિંચકા, ઝૂલા જોવા મળ્યા હતા. તેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાના આગવા પહેરવેશ સાથે ઢોલ-નગારાં વગેરે વાજિંત્રો સાથે મેળામાં જોવા મળ્યા હતા. મેળાનો નજારો આહ્લાદક અને આકર્ષણ જમાવે તેવો હતો.