May 20, 2024

પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય નેતાઓ સહિત CMની બેઠક

Parshottam Rupala Statement CMs meeting with Kshatriya leaders

પરશોત્તમ રુપાલા - ફાઇલ તસવીર

અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપવામાં આવેલા નિવેદને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઠેર-ઠેર ક્ષત્રિયો આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે અને તેમની ટિકિટ પાછી ખેંચાય તેવી માગણી કરવામાં આવી રહી છે.

ક્ષત્રિય નેતાઓ સાથે CMની બેઠક
બીજી તરફ, ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના મોટા માથાઓ આ મામલે અત્યાર સુધી મૌન રહ્યા છે. કોઈએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસસ્થાને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા સહિત આઇકે જાડેજા, માંધાતાસિંહ જાડેજા જેવા ક્ષત્રિય આગેવાનો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત છે. હાલ આ મામલે બેઠક ચાલી રહી છે.

ક્ષત્રિય મહિલાઓ પણ મેદાને
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રાણીયોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરી રહી છે અને સતત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી કરી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, હવે આ વિરોધનો વંટોળ રાજસ્થાન પહોંચી ગયો છે. ત્યાંના રાજપૂત સમાજમાં પણ રૂપાલાના નિવેદન બાદ વિરોધ જોવા મળ્યો છે.

પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી
તેમના નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં ત્રણવાર માફી માગી ચૂકી છે. પરંતુ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા તૈયાર નથી. આ મામલે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.