November 22, 2024

US સાંસદે કરી ભારતના વડાપ્રધાનની પ્રશંસા, ‘PM મોદી હવે ભારતનો ચહેરો છે’

PM Modi is face of India: એક અમેરિકન સાંસદે 2014થી દેશમાં થયેલા વિકાસ કાર્યો અને આર્થિક પ્રગતિ માટે ભારતીય વડા પ્રધાનની પ્રશંસા કરી છે. કહ્યું ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો ચહેરો બની ગયા છે’. અમેરિકી કોંગ્રેસમાં ભારતના શ્રેષ્ઠ મિત્રોમાંથી એક ગણાતા બ્રેડ શેરમેને કહ્યું કે વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થયા છે. બીજી બાજુ તેમણે કહ્યું કે રશિયા અને ભારત વચ્ચેના સંરક્ષણ સંબંધો ભારત-અમેરિકા સંબંધો માટે પડકાર છે.

મંગળવારે ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યુમાં શેરમને કહ્યું, ‘પીએમ મોદી ભારતનો ચહેરો બની ગયા છે અને અમે આર્થિક પ્રગતિ જોઈ છે. દેખીતી રીતે દરેક દેશ સામે પડકારો છે અને દરેક નેતા પડકારોનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતમાં લઘુમતીઓની સ્થિતિ સાથે જોડાયેલા મુદ્દા પર PM મોદીનું મોટું નિવેદન

‘ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર આકાશને આંબી રહ્યો છે’
શેરમને કહ્યું, ‘હું કોઈ પણ દેશની સફળતાનો શ્રેય માત્ર એક નેતાને નથી આપતો. 1.3 અબજથી વધુ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભારતને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શેરમને કહ્યું, ‘ભારત-અમેરિકાના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર આકાશને આંબી રહ્યો છે.

‘રશિયા સાથેના સંબંધો ભારત-અમેરિકા સંબંધો માટે પડકાર છે’
તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે ભારતીય-અમેરિકનો સૌથી વધુ શિક્ષિત છે અને અમેરિકાના તમામ વંશીય જૂથોની તુલનામાં તેમની આવક સૌથી વધુ છે. શરમેને કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વિસ્તરતા જોવા માંગે છે. બીજી બાજુ શેરમને કહ્યું કે રશિયા સાથે ભારતના સંરક્ષણ સંબંધો ચાલુ છે અને આ અમેરિકા-ભારત સંબંધો માટે પડકાર છે. તેમણે કહ્યું કે હાલમાં રશિયા સાથે અમારા સંબંધો સારા નથી. અમે બધા યુક્રેનમાં યુદ્ધના સફળ નિરાકરણની આશા રાખીએ છીએ અને મને લાગે છે કે આ સમગ્ર વિશ્વ માટે ચોક્કસપણે ખૂબ મદદરૂપ થશે.