November 24, 2024

PM મોદીએ કોંગ્રેસ, TMC અને ડાબેરી પક્ષોને માર્યો ટોણો

PM Modi in West Bengal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બંગાળમાં કહ્યું કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પશ્ચિમ બંગાળમાં ‘દુશ્મન’ છે, પરંતુ દિલ્હીમાં ‘મિત્ર’ છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે, ‘વિપક્ષની રાજનીતિ જૂઠાણા સિવાય અન્ય કોઈ વસ્તુ પર આધારિત નથી. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એકબીજા સામે લડી રહ્યા છે, પરંતુ દિલ્હીમાં તેઓ એક જ થાળીમાંથી ખાય છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે વિપક્ષની ‘જૂઠાણાની રાજનીતિְ’નું તાજેતરનું ઉદાહરણ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) પર તાજેતરના નોટિફિકેશન સાથે સંબંધિત છે.

છેલ્લા 10 વર્ષમાં મેં જે કામ કર્યું છે તે માત્ર ‘ટ્રેલર’
વડા પ્રધાને કહ્યું, ‘ભાજપ સરકાર CAA લાવી છે કારણ કે તે તમામ વાસ્તવિક નાગરિકોને નાગરિકતાની ખાતરી આપે છે. પશ્ચિમ બંગાળના લોકોને મારી એક જ અપીલ છે કે તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવતા જૂઠાણાંથી ડરશો નહીં. છેલ્લા 10 વર્ષમાં મેં જે કામ કર્યું છે તે તમે જોયું છે. તેથી, હું તમને વિનંતી કરું છું કે મારી ગેરંટી પર વિશ્વાસ રાખો.’ પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા સારા કામ માત્ર ‘ટ્રેલર’ હતા.

હું તમને બધાને કહેવા માંગુ છું કે ભારત મારો પરિવાર છે
પીએમ મોદીએ કહ્યું કે, ‘હજુ પણ ઘણી બધી બાબતો હાંસલ કરવાની બાકી છે, જેના માટે કેન્દ્રમાં એક મજબૂત સરકારની જરૂર છે અને માત્ર ભાજપ જ કેન્દ્રમાં મજબૂત સરકાર આપી શકે છે.’ માત્ર ભાજપ જ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉન્નત કરી શકે છે.

વડા પ્રધાને એમ પણ કહ્યું, ‘વિરોધી પક્ષો વારંવાર દાવો કરે છે કે મોદીનો પોતાનો કોઈ પરિવાર નથી, પરંતુ આજે હું તમને બધાને કહેવા માંગુ છું કે ભારત મારો પરિવાર છે અને દેશનો દરેક નાગરિક મારા પરિવારનો સભ્ય છે. એટલા માટે અમે છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું હાંસલ કર્યું છે. અમે આ કરી શક્યા કારણ કે અમારા ઇરાદા પ્રમાણિક હતા.”