November 22, 2024

છત્તીસગઢના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, 100 ગામડાંઓ સંપર્ક વિહોણા

Chhattisgarh Rains: છત્તીસગઢના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે બસ્તર વિભાગના બીજાપુર, દંતેવાડા, સુકમા અને નારાયણપુર જિલ્લાઓ આ ચોમાસા દરમિયાન વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ શરૂ છે અને ઘણી નાની નદીઓ અને નાળાઓ વહેતા થયા છે. આ વિસ્તારમાં જનજીવનને પણ અસર થઇ છે.

અહીં મુશળધાર વરસાદની સંભાવના
રાયપુર સ્થિત હવામાન વિભાગે મંગળવારે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના મુંગેલી, બાલોદ, કબીરધામ, રાજનાંદગાંવ અને ખૈરાગઢ-છુઈખાદન-ગંડાઈ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે દુર્ગ, બેમેટરા, મોહલા-માનપુર-અંબાગઢ ચોકી અને બીજાપુર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ મુજબ ધમતરી, બાલોદ, કાંકેર, નારાયણપુર, બીજાપુર અને ગારિયાબંદમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે વરસાદ પડશે અને વીજળી પડવાની સંભાવના છે. આ જિલ્લાના લોકોને કોઈપણ કારણ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે
બીજી બાજુ, મહાસમુંદ, રાજનાંદગાંવ, બસ્તર, દંતેવાડા, કોંડાગાંવમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે જાંજગીર, રાયપુર, દુર્ગ, સુકમા, બેમેટરા સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ છે. અહીં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ભારે વરસાદને કરાણે 100 ગામડાંઓ સંપર્ક વિહોણા
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, બસ્તર ક્ષેત્રના નારાયણપુર, સુકમા, બીજાપુર અને દંતેવાડામાં ભારે વરસાદ થયો છે જ્યાં ઘણા ઘરો અને પાકને નુકસાન થયું છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે બીજાપુર, દંતેવાડા અને સુકમા જિલ્લાના 100થી વધુ ગામો જિલ્લા સાથે સંપર્ક વિહોણા છે અને આ સ્થળોએ બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને પોલીસ કર્મચારીઓની ટીમો તૈનાત કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે સુકમા જિલ્લામાં ઘણા નીચાણવાળા વિસ્તારો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-30 પર ઘણી જગ્યાએ રસ્તાઓ પર વહેતા પાણીથી ભરાઈ ગયા છે. લોકોને પૂરગ્રસ્ત રસ્તાઓ પાર કરવામાં મદદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે મોટર બોટ સાથે હોમગાર્ડ જવાનોને તૈનાત કર્યા છે.