September 18, 2024

સાયલાના સુદામડા ગામે 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ, ખનિજ માફિયાઓનો આતંક

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનારા પરિવારના ઘર પર ચારથી વધુ કારમાં આવી 10થી 15 લોકોએ 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેને લઇ પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય છે. ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવ બને છે. જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈ આ ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેકટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી. પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનો પરિવારજનો આક્ષેપ કરે છે. ત્યારે રાત્રે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ 10:00 કલાકે ત્રણથી ચાર ગાડીઓમાં 15થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ફાયરિંગમાં કોઈપણ ઘરના વ્યક્તિઓને ઈજા પહોંચી નથી. જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માગ કરી રહ્યું છે. જો તેમની માગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, લીંબડી DYSP, lcd, sog સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ અનિઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.