May 21, 2024

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત – રોહિત શર્મા કેપ્ટન, પંતની વાપસી

બીસીસીઆઇ એ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે.

અમદાવાદઃ ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય ચયન સમિતિ અમેરિકા અને વેસ્ટઇન્ડિઝમાં રમાનારી આઇસીસી ટી20 વર્લ્ડ કપની 15 સદસ્યોની ભારતીય ટીમને અંતિમ રૂપ આપવા માટે આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ સાથે મુલાકાત કરી હતી.

બીસીસીઆઇ એ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. રોહિત શર્મા ટીમનો કેપ્ટન રહેશે. ત્યાં જ રિષભ પંતની ટીમમાં વાપસી થઈ છે. યુઝવેન્દ્ર ચહલનો પણ ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી આપવામાં આવી છે. ત્યાં જ ટી20 વર્લ્ડ કપમાં ટીમના વાઇસ કેપ્ટન રહેશે. વિકેટકિપર તરીકે રિષભ પંત અને સંજૂ સેમસનને રાખવામાં આવ્યા છે. ટીમમાં કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. શુભમન ગિલ, રિંકૂ સિંહને રિઝર્વ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

ટીમમાં કોણ કોણ સામેલ?
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

રિઝર્વ – શુભમન ગિલ, રિંકૂ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

બેટર્સઃ કેપ્ટન રોહિત શર્માની સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ યુનિટના મહત્વના ભાગ હશે. શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. યશસ્વી ઓપનિંગ કરે તેવી શક્યતા છે, જ્યારે શિવમ દુબે ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.
વિકેટકિપર્સઃ વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંત IPL 2024 દ્વારા પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકિપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.

ઓલરાઉન્ડર્સઃ ઓલરાઉન્ડરોની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં પણ વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશિપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

સ્પિનર્સઃ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને નિષ્ણાત સ્પિન બોલર તરીકે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. લેગ સ્પિનર ​​ચહલ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં આયોજિત થવાનો હોવાથી ધીમી પીચ પર કુલદીપ અને ચહલની ભૂમિકા ઘણી મહત્વની હોઈ શકે છે.

ઝડપી બોલર્સઃ ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ મોહમ્મદ સિરાજને ત્રીજા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્તમાન IPL સિઝનમાં સિરાજ ચોક્કસપણે મોંઘો સાબિત થયો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

ગ્રુપ એ – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ બી – ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ સી – ન્યૂઝિલેન્ડ, વેસ્ટઇન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની
ગ્રુપ ડી – સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નેપાળ