July 7, 2024

તક્ષશિલા અગ્નિકાંડઃ પાંચ વર્ષ સુધી કેસ કેમ ચાલ્યો? જાણો ચોંકવનારું કારણ

અમિત રૂપાપરા, સુરત: 5 વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. આ અગ્નિકાંડની ઘટનામાં 22 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવા નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના પાંચ વર્ષ પછી પણ મૃતક પરિવારના સભ્યો ન્યાય માટે ઝંખી રહ્યા છે. ત્યારે તક્ષશિલા અગ્નિકાંડમાં ફરિયાદી પક્ષ તરફે કેસ લડતા એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા ન્યુઝ કેપિટલ સાથે વાતચીત કરવામાં આવી હતી. તક્ષશિલા અગ્નિકાંડનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી અપીલ પણ તેમણે મીડિયા માધ્યમથી તંત્રને કરી છે.

એડવોકેટ આપી માહિતી
એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “તક્ષશિલા અગ્નિકાંડમાં હજુ પણ ન્યાય ના મળતા એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગશે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તો ન્યાય વહેલો મળી શકે છે. 22 મે 2019 ના રોજ તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બની હતી અને ત્યારબાદ આ કેસમાં પોલીસ તરફથી 10000 પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 256 જેટલા સાક્ષીઓ હતા એમાંથી 180ને અત્યાર સુધીમાં તપાસવામાં આવ્યા છે અને 28 થી 30 સાક્ષીઓને તપાસવાના બાકી છે”

રકમ હજુ કોર્ટમાં જમા
આ ઉપરાંત એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, વીજ કંપનીના અધિકારી, ફાયર ઓફિસર, ગેરકાયદેસર બાંધકામ કરનારા અને સંચાલકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 14 આરોપીના ત્રણ વર્ષ બાદ જામીન મંજૂર થયા હતા અને તેઓ જામીન મુક્ત થયા હતા. આ ઉપરાંત કોર્ટના આદેશ મુજબ આરોપીઓએ ભોગ બનનારના પરિવારને ચૂકવવાનું કંપનસેશન પણ કોર્ટમાં જમા કરાવ્યું છે. પરંતુ હજુ સુધી એક પણ બાળકના પરિવારે એક પણ રૂપિયો લીધો નથી અને ત્રણ કરોડ જેટલી રકમ હજુ કોર્ટમાં જમા છે. આ ઉપરાંત એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યું હતું કે આરોપીઓ કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરી રહ્યા હોવાના કારણે આ કેસ લાંબો ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: Gujaratમાં છેલ્લા 6 વર્ષમાં 13 મોટી દુર્ઘટના, જવાબદાર કોણ?

પોલીસે ફરિયાદ દાખલ કરવી
એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટમાં જે ઘટના બની છે તેમાં પણ સંચાલકોની સાથે તંત્રની સંયુક્ત જવાબદારી છે. એટલે અધિકારીઓ સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જવાબદારો તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. કારણકે જ્યારે આ પ્રકારે બાંધકામ થયો ત્યારે તેની મંજૂરી તંત્ર દ્વારા જ આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્યારબાદ ચકાસણી કરનારા અધિકારીઓ દ્વારા પણ સંચાલક તરફે નિર્ણય આપવામાં આવ્યો એટલે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરવી જોઈએ.