હલદ્વાની હિંસામાં 6નાં મોત, CMના ‘દેખો ત્યાં ઠાર’ના આદેશ
Haldwani Violance News: ઉત્તરાખંડના હલદ્વાનીમાં ભારે હિંસા બાદ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને હિંસાખોરોને જોતાં જ ગોળી મારી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદના નામે કરેલા અતિક્રમણને તોડવા પહોંચેલી ટીમ પર પથ્થરમારા બાદ આગચંપી કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ ડઝનેક વાહનો ફૂંકી માર્યા છે. કેટલાય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ હાઇલેવલ મીટિંગ બોલાવી છે અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સૂચના આપી છે.
વનભૂલપુરાના મલિકના બગીચા વિસ્તારની નજૂલ જમીન પર અતિક્રમણ છે. કોર્ટના આદેશ પછી છેલ્લા કેટલાક દિવસથી નગરનિગમની ટીમે અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન કેટલાક ભવનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. દબાણ હટાવતી વખતે ત્યાં મદરેસા અને નમાઝ સ્થળ પણ હોવાથી નગરનિગમે તેને તોડવાની કામગીરી ચાલુ કરી હતી. મદરેસા અને નમાઝ સ્થળને સીલ માર્યું હતું. ગુરુવારે તંત્ર અને નગરનિગમની ટીમે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરી હતી.
આ દરમિયાન વિસ્તારમાં માહોલ તંગ થઈ ગયો હતો. દબાણ હટાવવા માટે ગયેલી ટીમ પર પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે લાઠીચાર્જ કરી ભીડને હટાવવાની કોશિશ કરી હતી, પરંતુ હાલત વધુ ખરાબ થઈ રહી હતી. એક ડઝન કરતાં વધુ વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી. ઉપદ્રવીઓએ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી નાંખી હતી.