October 3, 2024

હરિયાણા બેરોજગારીમાં નંબર-1 કેમ? રાહુલ ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર

Rahul Gandhi On BJP: હરિયાણાના નૂહમાં પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા છે. બેરોજગારી, બંધારણ અને નફરતના મુદ્દાઓ પર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આજે ફરી એકવાર સંવિધાન બચાવવાની લડાઈ ચાલી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ દેશના બંધારણને ખતમ કરવા પર તત્પર છે. આપણે હિંમતભેર તેનો સામનો કરવો પડશે. હરિયાણામાં બેરોજગારી વધારે પ્રમાણમાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે કોંગ્રેસ પાર્ટી બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ લડી રહી છે. બંધારણ અને લોકશાહી ટકી રહેશે તો જ ગરીબો, ખેડૂતો અને મજૂરોને તેમના હક્કો મળશે.

રાહુલે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો
આ દરમિયાન રાહુલ ગાંધીએ હરિયાણામાં રોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હું તાજેતરમાં અમેરિકા ગયો હતો. ત્યાં હું હરિયાણાના લોકોને મળ્યો. મેં તેમને પૂછ્યું – તમે હરિયાણા છોડીને અમેરિકા કેમ આવ્યા? વ્યક્તિએ કહ્યું કે મને હરિયાણામા બીજેપી સરકારમાં કામ ન મળ્યું. રોજગાર ન મળ્યો. આ સાથે રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જ્યારે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે ત્યારે બેરોજગારોને રોજગાર આપવામાં આવશે.

રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે હરિયાણાના યુવાનોને અમેરિકામાં રોજગાર મળી શકે છે પણ આ રાજ્યમાં કેમ રોજગાર નથી મળી શકતો? તેમણે બેરોજગારીના મુદ્દે વડાપ્રધાન મોદી પર સીધો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોટી મોટી વાતો કરે છે, પણ એવું જણાવતા નથી કે હરિયાણા બેરોજગારીમાં પ્રથમ સ્થાને કેવી રીતે પહોંચ્યું? તેમણે કહ્યું કે તેઓ માત્ર અબજોપતિઓની સરકાર ચલાવે છે. તેઓ અબજોપતિઓની લોન માફ કરે છે, પરંતુ ગરીબો અને ખેડૂતોની લોન માફ કરતા નથી.

આ પણ વાંચો: NASAનું એલર્ટ: પૃથ્વીની નજીકથી પસાર થશે Asteroid, જાણો ધરતી પર કેટલો ખતરો

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નફરતથી નફરતને ખતમ કરી શકાતી નથી. નફરતને પ્રેમથી જ ઓછી કરી શકાય છે. તેમણે કહ્યું કે તાજેતરમાં અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. ભાજપે જ્યાં પણ નફરત ફેલાવી, અમે ત્યાં પ્રેમની દુકાન ખોલી.

ભૂપેન્દ્ર હુડ્ડાએ વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો
આ પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ બીજેપી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષના ભાજપના શાસનમાં કોઈ વિકાસનું કામ થયું નથી. તેમણે કહ્યું કે નુહમાં જે પણ વિકાસના કામો દેખાઈ રહ્યા છે તે માત્ર કોંગ્રેસનો ફાળો છે.

તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં હરિયાણા ઘણું પાછળ રહી ગયું છે. તેમણે કહ્યું કે મેવાત વિસ્તાર ભાઈચારાનું ઉદાહરણ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન મેવાતમાં વિકાસના અનેક કામો થયા હતા. પરંતુ આજે હરિયાણા બેરોજગારીમાં નંબર વન છે. અહીં મોંઘવારી છે અને કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી છે.