November 23, 2024

યોગી સરકારનો મોટો આદેશ, અધિકારી હોય કે કર્મચારી, આ ભૂલ કરશો તો નહીં મળે ઓફિસમાં એન્ટ્રી!

Yogi government Big order: જો તમે યુપીમાં સરકારી કર્મચારી કે અધિકારી છો તો આ ભૂલ તમને મોંઘી પડી શકે છે. યોગી સરકારે માર્ગ સુરક્ષા અભિયાન હેઠળ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટો આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને ઓફિસમાં એન્ટ્રી નહીં આપવામાં આવે અને ગેરહાજર ગણવામાં આવશે. એટલું જ નહીં, આ સૂચના સરકારી કચેરીમાં નોટિસ બોર્ડ પર લગાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ આદેશ મુખ્ય સચિવ મનોજ સિંહ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, આદેશ પર નજર રાખવા માટે સરકારી ઓફિસમાં સુરક્ષા કર્મચારીઓ અને સીસીટીવીની મદદ લેવામાં આવશે. હકિકતે, યુપીમાં 15 દિવસનું રોડ સેફ્ટી અભિયાન શરૂ થયું છે. જાગૃતિ અભિયાન ઝડપી ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે માર્ગ સલામતી અંગે લોકોને જાગૃત કરવા રેલી કાઢવામાં આવી હતી. આ પખવાડિયું 16મી ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે.

મુખ્ય સચિવે પોતાના આદેશમાં કહ્યું છે કે માર્ગ અકસ્માતમાં વધતા મૃત્યુ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે. તેમણે શાળા-કોલેજોમાં જાગૃતિ લાવવાના નિર્દેશો પણ આપ્યા છે. તેમને બ્લેક સ્પોટ ઓળખવા અને ત્યાં ચેતવણી બોર્ડ ગોઠવવા સૂચના આપવામાં આવી છે.