વઢવાણમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, સગા ફુઆ સહિત 5 શખ્સોએ પીંખી નાંખી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી અવારનવાર ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વઢવાણમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા ફુઆ સહિત 5 લોકોએ સગીરાને પીંખી નાંખી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સગીરાને અચાનક પેટમાં દુખતા તેને તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ત્યાં જઈને ચેકઅપ કરાવ્યું તો સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સગીરાએ સમગ્ર ઘટના પરિવારજનોને કહી હતી. જેમાં સગા ફુઆ સહિત અન્ય 5 લોકોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સગીરાના પરિવારજનોએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ સગીરાને અવારનવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેટલું જ નહીં, ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.