May 20, 2024

Ahmedabad : DEO એ રચેલી કમિટીએ માઉન્ટ કાર્મેલ શાળાના સંચાલકો સાથે બેઠક યોજી

DEO - NEWSCAPITAL

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ શાળા વિવાદમાં આવી છે. શાળા સંચાલકો દ્વારા શાળાનું બિલ્ડિંગ જૂનું થઈ ગયુ હોવાથી શૈક્ષણિક કાર્ય શક્ય ન હોવાનું કહી વિદ્યાર્થીઓને શાળા બદલવા માટે કહેવામાં આવ્યું હતું, જેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ રોષે ભરાયા હતા. બાદમાં માઉન્ટ કાર્મેલ શાળાનો વિવાદ DEO કચેરીએ પહોંચ્યો હતો.

શાળાના સંચાલક મંડળ અને વાલીઓ વચ્ચે બેઠક યોજાઇ

નવરંગપુરા સ્થિત માઉન્ટ કાર્મેલ શાળાએ વિદ્યાર્થીઓને શાળા બદલવા માટે કહેતા વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે શાળાના સંચાલક મંડળ અને વાલીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી, પરંતુ બેઠકમાં કોઇ નિર્ણય થયો ન હતો. વાલીઓએ શાળા સંચાલકોના આ નિર્ણયની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, શાળાની બિલ્ડિંગ તૂટવાની છે, બંધ થવાની છે કે રિપેર થવાની છે તે અંગે સંચાલકો દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેને લીધે શાળામાં ભણતા બાળકોને લઇ વાલીઓ ચિંતિત થયા છે. તો બીજી તરફ જે વાલીઓ પોતાના બાળકને માઉન્ટ કોર્મેલ શાળામાં ભણાવવા માગે છે, તેમણે શાળાને આર્થિક રીતે 5 હજાર રૂપિયા સુધીની મદદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.DEO - NEWSCAPITAL

આ પણ વાંચો : ‘ગાંવ ચલો’ અભિયાન અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં રાત્રી રોકાણ કરશે

કમિટીના સભ્યો બેઠક બાદ પાછલા બારણે રવાના

માઉન્ટ કાર્મેલ શાળાનો વિવાદ DEO કચેરીએ પહોંચતા DEOએ એક કમિટીની રચના કરી હતી. DEOએ રચેલી કમિટીએ આજે શાળા સંચાલકો સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન શાળાના સંચાલકોએ શાળાને લઈને યોગ્ય નિર્ણય લેવા માટે કમિટી પાસે વધુ સમયની માંગણી કરી છે. શાળા સંચાલકોએ વાલીઓને મીડિયામાં નિવેદન ન આપવા ધમકાવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. DEO એ રચેલી કમિટીના સભ્યો પણ બેઠક બાદ પાછલા બારણે રવાના થઈ ગયા હતા.