February 12, 2025

ગીરની કેસર કેરીને માથે રોગનું ગ્રહણ, ઇયળ-મધિયાએ હાહાકાર મચાવ્યો

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ કેરીના ગઢ ગણાતા ગીરમાં કેસર કેરીને અનેક પ્રકારનું ગ્રહણ લાગતા કેરીના બગીચા ધરાવનારા ખેડૂતો ચિંતિત બન્યા છે. કેસર કેરીમાં વ્યાપક પ્રમાણમાં મધયા નામનો રોગ બેકાબૂ બન્યો છે. આ સાથે ઇયળ અને થીપ્સ નામની જીવાતે કેસર કેરીના બગીચાઓને સંકટથી ઘેરી લીધા છે. ત્યારે આગામી કેસર કેરીની સિઝન સામે અનેક સવાલો ઊભા થયા છે.

ગીરની પ્રખ્યાત કેસર કેરી સમગ્ર દેશની સાથે વિશ્વના અનેક દેશોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેમની માગ પણ જબરી રહે છે. પરંતુ હાલમાં આવેલા વાતાવરણના પરિવર્તનને કારણે કેસર કેરીના બગીચાઓ સામે મોટું સંકટ ઉભું થયું છે. જેથી ખેડૂતો તો ચિંતિત બન્યા છે, પરંતુ કેરીના રસિયાઓ માટે પણ આ માઠાં સમાચાર છે. વાત કરીએ કેસર કેરીના બગીચાઓની તો હાલ બગીચાઓ ત્રણ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. જેમાં સૌથી મોટું સંકટ છે મધિયા નામનો રોગ. બીજું સંકટ છે ઇયળો અને ત્રીજો સંકટ છે થીપ્સ નામની જીવાત. આ ત્રણ કારણે હાલ ફ્લાવરીંગ ભારે માત્રામાં આવેલું છે, તે એકદમ ઝડપથી સુકાઈ અને ખરવા લાગ્યું છે. જે કેસર કેરીનું મોટું સંકટ માનવામાં આવે છે.

ગત નવેમ્બર ડિસેમ્બરમાં આવેલો પ્રથમ ફ્લાવરિંગનો ખેડૂતોના મતે 70% પાક બળી અને ખરવા લાગ્યો છે. જ્યારે જાન્યુઆરી બાદ આવેલો બીજું ફ્લાવરિંગ જે હાલ 30 ટકા જેટલું જોવા મળે છે. તેમાં આ ત્રણેય રોગ બેસવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મધિયા નામનો રોગ કે જે આખા ફ્લાવરિંગને ચીકણો બનાવી અને તેને વધતું અટકાવે છે. જ્યારે ઇયળો છે તે મોરને ખરવા મજબૂર બનાવે છે અને થીપ્સ નામની જીવાત જે ફ્લાવરિંગને ચૂસી અને નકામી બનાવી રહેલ છે.

કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોની સલાહ લઈ કેરીના બગીચા ધરાવનાર ખેડૂતોએ ચાર ચાર વખત જંતુનાશક ઝેરી દવાઓનો છંટકાવ કરવા છતાં આ મધિયા નામનો રોગ બંધ થવાનું નામ નથી લેતો. આ કુદરતી પ્રક્રિયામાં મધમાખી સફળતામાં મુખ્ય રોલ ભજવતી હોય તેવી મધમાખી હાલ ગીરમાં ક્યાંય જોવા મળતી નથી કે નથી ક્યાંય મધપૂડાઓ જોવા મળતા. જેનું કારણ એ પણ મનાય છે કે, મોટાભાગના વિવિધ પાકોમાં અતિઝેરી જંતુનાશક દવાઓના છંટકાવથી મધમાખીઓ નામશેષ થઈ છે. કુદરતી પરાગનયનની પ્રક્રિયા મધમાખીની ગેરહાજરીને કારણે અટકી પડી છે.

ભારે જંતુનાશક દવાઓએ કેસર કેરીના બગીચાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ત્યારે આગામી કેસર કેરી સિઝનમાં બજારમાં કેટલી આવશે? અને શું ભાવ હશે? એ બાબતે હાલ કંઈ પણ કહેવું અનિશ્ચિત મનાય છે. હાલ નાની ખાખડીની સિઝન મનાતી હોય છે. આમ છતાં બગીચાઓ સૂમસામ દેખાય છે. ત્યારે પ્રતિકૂળ વાતાવરણ જેમાં દિવસે ભારે ગરમી અને રાત્રિના ઓછી ઠંડી જેવા અનેક કારણો કેસર કેરીના પાકના નુકસાનમાં જવાબદાર હોવાનું મનાય છે.