October 3, 2024

લો બોલો! સરકારી નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં અત્યાર સુધી નકલી ખાદ્ય પદાર્થ, નકલી પોલીસ કે પછી અધિકારીઓના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સરકારી નોકરીનો લાભ લેવા માટે પણ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. સરકારી નોકરી મેળવવા માટે પિતાના બક્ષીપંચનો બોગસ દાખલો પુરાવા તરીકે આપ્યો હતો. ત્યારે દાખલો બનાવવા માટે તૈયાર કરવા માટે આપેલું પિતાનું LC બોગસ હોવાનું સામે આવતા પોલીસે દાખલો રજૂ કરનાર યુવતી અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે અને હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 25 વર્ષીય રેખા ખટીક GPSCની તૈયારી કરી રહી હતી અને તેને સરકારી નોકરી મેળવવા માટે બક્ષીપંચના પ્રમાણપત્રની જરૂર હતી. સરકારી નોકરી મેળવવાની લાલચમાં રેખા ખટીકે પોતાના પિતાનો બક્ષીપંચનો દાખલો બોગસ ડોક્યુમેન્ટના આધારે તૈયાર કરી રજૂ કર્યો હતો અને જ્યારે અધિકારી દ્વારા આ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે રેખાએ રજૂ કરેલ પિતા શાંતિલાલ ખટીકનો બક્ષીપંચનો દાખલો તૈયાર કરવા માટે આપવામાં આવેલું LC બોગસ હોવાનું સામે આવ્યું હતું. તેથી આ બાબતે સમાજ કલ્યાણ અધિકારી જીતેન્દ્ર ચૌહાણ દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતના ઉત્રાણા વિસ્તારમાં માતાએ પોતાના દીકરાને ઝેર પીવડાવીને પોતે પણ આપઘાત કર્યો

અઠવાલાઇન્સ પોલીસ દ્વારા આ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે અને રેખા ખટીક તેમજ તેના પિતા શાંતિલાલ ખટીકની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે શાંતિલાલ ખટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ કોની પાસે બનાવડાવ્યું હતું. તો બીજી તરફ પોલીસની તપાસમાં એવું પણ ધ્યાન પર આવ્યું છે કે રેખાનો ભાઈ અમદાવાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે અને રેખાએ 30-5-2016ના રોજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષીપંચનો દાખલો મેળવવા 31-3-2016નું શારદા વિદ્યામંદિર સિંગણપોરનું લિવિંગ સર્ટિફિકેટ અને પિતાના આધાર પુરાવા તરીકે જૂની તરેડ પ્રાથમિક શાળા મહુવા ભાવનગરનું 16-7-2018નું એલસી રજૂ કર્યું હતું.

પ્રમાણપત્રોના આધારે 30-5-2016ના રોજ હિન્દુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણપત્રનો ઉપયોગ 2023-24માં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઇજનેર વર્ગ-2ની ભરતીમાં જાતિના પ્રમાણપત્ર તરીકે આ દાખલાની નકલ મૂકવામાં આવી હતી. જોકે જાતિના દાખલાની તપાસ કરતા રેખાના પિતાનું LC બોગસ હોવાનું સામે આવ્યું હતું. તેથી આ બાબતે અધિકારી દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે પિતા-પુત્રીની ધરપકડ કરી તેમને આ બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા હતા તે બાબતની વધુ તપાસ હાથ ધરી છે.