October 5, 2024

સરકારી કર્મચારીઓ આનંદો! આવતીકાલે કેબિનેટ બેઠક બાદ થશે મોટી જાહેરાત

ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારના પાંચ મંત્રી, ઉચ્ચ અધિકારી સહિત કર્મચારી મંડળના હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ મંત્રી ઋષિકેશ પટેલે બેઠકની માહિતી આપતા કહ્યુ હતુ કે, આવતીકાલે કેબિનેટ બેઠકમાં તમામ માગણીઓ મૂકવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, ‘કર્મચારી મંહામંડળ અને તેની સાથે સંલગ્ન તમામ હોદ્દેદારો સાથે ચર્ચા થઈ છે. આવતીકાલે કેબિનેટમાં આ વાતની સ્વીકારણી થશે. કેબિનેટની મંજૂરી લીધા પછી, ભુપેન્દ્ર પટેલની મંજૂરી પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત થશે અને પરિપત્ર થશે. બંને પક્ષે સકારાત્મક વલણ અપનાવ્યું છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘લેખિત સ્વરૂપે પણ તેઓ આપશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલો સકારાત્મક સૂર નીકળ્યો છે. કર્મચારીઓ પણ પોઝિટિવ છે અને સરકાર પણ પોઝિટિવ છે. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે અને ત્યારબાદ પરિપત્ર જાહેર કરવામાં આવશે.’

કર્મચારી મંડળના સભ્ય આ અંગે જણાવે છે કે, ‘સરકારે અમારો કાર્યક્રમ સ્થગિત રાખ્યો ત્યારે પાંચ મંત્રીની કમિટી દ્વારા ચર્ચા કરવાનો અને નિર્ણય લેવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ અમારી મિટિંગનો દોર ચાલુ છે. પાંચ મંત્રીની કમિટી સાથે બેઠક યોજવામાં આવી હતી. મંત્રીઓ સહિત કર્મીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ખૂબ જ પોઝિટિવ ચર્ચા થઈ છે. આવતીકાલે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે અને જાહેરાત કરવામાં આવશે.’