October 5, 2024

દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારુ મળ્યો

સુરત: આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બૂટલેગરો નવા નવા કીમિયા અપનાવીને રાજ્યમાં દારૂ ઘુસાડતા હોય છે. તો પોલીસ પણ બૂટલેગરોના નવા નવા કીમિયા નાકામ કરવામાં સક્ષમ છે. આવો જ એક કિસ્સો સુરતના સરથાણા વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં બૂટલેગરે પોલીસની આંખોમાં ધૂળ નાંખવા માટે એમ્બ્યુલન્સની સીટ પાછળ ચોરખાનામાં ઈંગ્લિશ દારૂની બોટલો છુપાવી હતી. પરંતુ સરથાણા પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારુ ઘૂસાડવા માટે બુટલેગરો નીતનવાં કિમિયા અપનાવતા હોય છે. ક્યારેક મોંઘી ગાડીઓ તો ક્યારેક કચરાની ગાડીમાં દારૂની ખેપ મારતા બુટલેગરો ઝડપાયા છે ત્યારે હવે સુરતમાં એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે.

આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા કરાતી કલર કોડની આગાહીનો મતલબ શું હોય છે, જાણો?

સુરતમાં એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. સરથાણા પોલીસે એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે નરેશ પુનારામ બિશ્નોઇની ધરપકડ કરી છે. પોલીસે 1.69 લાખથી વધુની મત્તાનો દારૂ ઝડપી પાડ્યો છે. સરથાણા પોલીસે મોટી માત્રામાં એમ્બ્યુલન્સની અંદરથી કિશન રત્નારામ બિશનોઈ વોન્ટેડ જાહેર કર્યો છે.

સરથાણા પોલીસે બાતમીના આધારે એમ્બ્યુલન્સને રસ્તામાં રોકી તેની તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે એમ્બ્યુલન્સની તપાસ કરી તો બંને સીટની જગ્યાએ ખાનું બનાવી તેમાં દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં મોંઘી દારૂની બોટલો મળી આવી હતી. હાલમાં સરથાણાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.