આંગડિયા પેઢીના કર્મચારીને સમલૈંગિક સંબંધ માટે બોલાવી વીડિયો ઉતારી બ્લેકમેઇલ કર્યો
અમિત રુપાપરા, સુરતઃ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ સોશિયલ મીડિયાના કારણે વ્યક્તિના કાર્ય જેટલા સરળ થાય છે. તેટલી જ મોટી મુશ્કેલીમાં વ્યક્તિ ફસાય છે. આવો જ એક કિસ્સો સુરતના આંગડિયા પેઢીના કર્મચારી સાથે બન્યો હતો. ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી આંગણીયા પેઢીના કર્મચારીનો અજાણ્યા ઈસમ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ અજાણ્યાએ પોતે ગે હોવાનું કહીને આ કર્મચારીને મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ રૂમમાં એક છોકરા સાથે તેના અર્ધનગ્ન અવસ્થામાં ફોટા અને વીડિયો ઉતારી લઈ તેની પાસેથી 7,50,000ની માગણી કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર મામલે પોલીસે સગીર સહિત ચારની ધરપકડ કરી છે.
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, સુરતના વરાછા વિસ્તારમાં 36 વર્ષનો યુવક ત્રિકમનગરમાં રહેતો હતો અને કતારગામ વિસ્તારની એક આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. જો કે, આ આંગડિયા પેઢીના કર્મચારીએ 4 એપ્રિલના રોજ ડેટિંગ એપ્લિકેશન બ્લુએડ લાઈવ એન્ડ ડેટિંગ પર અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરી હતી અને સામેના વ્યક્તિએ પોતે ગે હોવાનું કહીને આંગડિયા પેઢીના કર્મચારીનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ બંનેએ પોતાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી.
આ પણ વાંચોઃ ધોરાજીની ભાદર-2 નદીમાં કાર ખાબકતા 4 લોકોનાં મોત
એપ્લિકેશન પર વાત કરી રહેલા સામેના વ્યક્તિએ પોતે અમેરિકાનો કોલેજનો વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું અને સાથે એપ્રિલના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં આંગડિયા પેઢીના કર્મચારીને બોલાવ્યો હતો. જ્યારે યુવક મળવા ગયો ત્યારે 21 વર્ષના યુવકને આ આંગડિયા પેઢીના કર્મચારી સાથે ફ્લેટમાં મોકલી દીધો હતો અને ત્યારબાદ બહારથી એક વ્યક્તિએ દરવાજો બંધ કરી દીધો હતો અને જ્યારે આંગડિયા પેઢીનો કર્મચારી અર્ધનગ્ન અવસ્થામાં હતો. ત્યારે અચાનક જ અજાણ્યા બે ઈસમો રૂમમાં પહોંચી ગયા અને યુવક સાથે ગાળાગાળી કરી મારામારી કરી હતી. ત્યારબાદ મોબાઇલમાં ફોટા વીડિયો ઉતારીને પરિવારના સભ્યોને જાણ કરવાની ધમકી આપી 7,50,000ની માગણી કરી હતી અને અંતે અઢી લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના કોંગ્રેસી લોકસભા ઉમેદવાર ગેનીબેન પર વીજ ચોરીનો આક્ષેપ
આ ઘટનાના બીજા દિવસે ચારેય ઈસમોએ સાથે મળીને અઢી લાખ રૂપિયા આપવા માટે આ યુવકને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં બોલાવ્યો હતો. જો કે, આ યુવકને પોતે ગુનાહિત કાવતરામાં ફસાયો હોવાનું લાગતા તેને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે છટકું ગોઠવ્યું હતું અને છટકામાં પોલીસે એક સગીર સહિત ચાર ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં સુર્યા ઉર્ફે સુરેશ ભરવાડ, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને એક 17 વર્ષના સગીરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિજય નામના એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, અગાઉ તેમને સાથે મળીને આ જ પ્રકારે બે લોકોને બ્લેકમેલ કર્યા હતા.
તો બીજી તરફ, આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈને અમરોલી પોલીસ આરોપીઓની રીતે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ આરોપીઓ સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. જેમાં આ ઈસમોએ સાથે મળીને ઉધના વિસ્તારના 37 વર્ષના રત્નકલાકારને પણ આ જ પ્રકારે બ્લેકમેલ કર્યો હતો. રત્નકલાકારે ગ્રીન્ડર ચેટ નામની એપ્લિકેશનમાં આરોપીઓનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આ જ પ્રકારે રત્નકલાકારને રૂમમાં મોકલી તેના અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો-ફોટા મોબાઇલમાં લઈ બ્લેકમેલ કરી તેની પાસેથી 2,75,000ની માગણી કરી હતી અને અંતે રત્ન કલાકારે 35,000 ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને જે વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેનું નામ દર્શન વાળંદ હોવાનું સામે આવ્યું હતું.