May 20, 2024

મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ

surat singanpor police station women constable suicide fir against police constable

ડાબે આપઘાત કરનારા મહિલા કોન્સ્ટેબલની ફાઇલ તસવીર અને જમણે આરોપીની ફાઇલ તસવીર

અમિત રુપાપરા, સુરતઃ શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો. આ કેસમાં સુરત સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોયે સામે મહિલા કોન્સ્ટેબલના પરિવારના સભ્યોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તો સિંગણપોર પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ કતારગામ વિસ્તારના કંથારીયા હનુમાન પાસે મહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી હતી. આ મહિલા કોન્સ્ટેબલનું નામ હર્ષના ચૌધરી હતું. તે પોલીસ સ્ટેશનમાં ટપાલ પરવાનગી વિભાગમાં ફરજ બજાવતી હતી. 18 માર્ચના રોજ સાંજે મહિલા કોન્સ્ટેબલે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારબાદ સિંગણપોર પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ કરી હતી. તો મૃતક મહિલા કોન્સ્ટેબલ દ્વારા લખવામાં આવેલી એક સુસાઇડ નોટ પોલીસને મળી હતી.

આ પણ વાંચોઃ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, પોરબંદરથી મોઢવાડિયા મેદાને

આ સુસાઇડ નોટના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલનો પ્રેમસંબંધ પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોયે સાથે છે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંતને ઘણા ફોન કર્યા હોવાનું પણ મોબાઈલની તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હર્ષના ચૌધરી અને પ્રશાંત વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો અને બંને લગ્ન કરવાના હતા. આ બાબતે બંનેના પરિવારને જાણ હતી. પ્રશાંતનો અકસ્માત થયો હોવાના કારણે તે પોતાના વતન ગયો હતો. જ્યાં નેટવર્ક ઓછું આવતા હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો અને જેના કારણે કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં આવી ગઈ હોવાથી તેને આપઘાતનું પગલું ભર્યું હોવાની આશંકા પોલીસને હતી.

આ પણ વાંચોઃ અરવલ્લી ભાજપમાંથી 2000થી વધુ કાર્યકરોના રાજીનામા, ભીખાજીની ટિકિટ કાપતા વિવાદ

ત્યારબાદ પોલીસે કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને લગ્ન બાબતે બંને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ પણ થતા હતા. તો પ્રશાંત લગ્ન માટે ઉતાવળ કરતો હતો. મહિલા કોન્સ્ટેબલ લગ્ન માટે સમય માગી રહી હતી. ત્યારબાદ એવું પણ સામે આવ્યું હતું કે, પ્રેમસંબંધ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ શારીરિક સંબંધ પણ બંધાયો હતો. તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલના પરિવારના સભ્યો દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને હાલ પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.