May 19, 2024

બોટ,બાળકો અને બહાના, ભૂલકાઓના જીવના જવાબદાર કોણ?

વડોદરાના હરણી તળાવમાં પર્યટન માટે આવેલા ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓની બોટ પલટી જતાં 12 બાળકો સહિત એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર મળી કુલ 14 ના ડૂબી જવાથી દુ:ખદ મોત નીપજ્યા છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં કરુણાંકિત દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોપવા નિર્ણય કર્યો છે. વાઘોડિયા રોડ પર સ્થિત ન્યુ સનરાઇઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આજે સવારે પર્યટન માટે હરણી તળાવ લેક ઝોન ખાતે આવ્યા હતા. બાળકોએ આખો દિવસ ધીંગામસ્તી કરી હતી અને બપોરના સુમારે તેમને બોટિંગ કરવા માટે લઈ જવાયા હતા. મળતી માહિતી મુજબ, બે બોટ પૈકી અંગ્રેજી માધ્યમના બાળકોની એક બોટ પરત ફરી હતી. પરંતુ ગુજરાતી માધ્યમના બાળકોની બોટમાં પાણી ભરાવા માંડતા બોટ નમી પડી હતી અને સાથે જ ચીસાચીસ શરૂ થઇ ગઇ હતી. બોટના ચાલક અને શિક્ષકો કઈ પણ સમજે તે પહેલાં તો આખી બોટ નમી પડી હતી. બનાવને પગલે આસપાસના કેટલાક ટ્રક ડ્રાઈવર તેમજ યુવકો જાન જોખમમાં મુકી બચાવ અર્થે કૂદી પડયા હતા. 

લાઈફ જેકેટ પહેર્યું ન હતું
બોટ પલટી જવાની આ ઘટનામાં વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા ન હોવાનું સામે આવ્યું છે. આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે બોટમાં અન્ય કોઈ વ્યવસ્થા પણ નહોતી. વડોદરાના કલેક્ટર એ.બી.ગોરે જણાવ્યું છે કે આ મામલાની સમગ્ર તપાસ કરવામાં આવશે. બીજી બાજુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શિલત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. મિસ્ત્રીએ કહ્યું કે અત્યારે સમગ્ર ધ્યાન બચાવ કામગીરી પર છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ બોટની ક્ષમતા 16 લોકોની હતી, પરંતુ વધુ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને સમાવવામાં આવ્યા હતા.  અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટમાં 27 લોકો સવાર હતા, જેમાં 23 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો હતા.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્ત બાળકો ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.” પીએમ મોદીએ કહ્યું કે દરેક મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું
ગુજરાતના મુખ્યમંત્રીએ બોટ પલટી જવાની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમના સોશિયલ મીડિયા x પર તેણે લખ્યું કે જીવ ગુમાવનારા માસૂમ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. આ દુઃખના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હાલ બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત અને સારવાર આપવા તંત્રને સૂચના આપવામાં આવી છે.

આ ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. વિગતવાર તપાસ જિલ્લા મેજીસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. 10 દિવસમાં રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કરવા સૂચના આપવામાં આવી છે. કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બન્યો તેની તપાસ કરવામાં આવશે બીજી બાજુ વહીવટીતંત્ર બેદરકાર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં ભરવાની માહિતી આપવામાં આવી છે. ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવને આ કેસની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી છે. પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દોષિત માનવહત્યા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કલમ 304, 337, 308 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.