October 5, 2024

અમિત શાહે ચાંગડામાં પશુપાલક બહેનોને ક્રેડિટ કાર્ડ આપ્યાં, 50 હજાર સુધી ઝીરો ટકા વ્યાજ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડામાં પહોંચ્યા હતા. ચાંગડાની બનાસ બેંક અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ખાનગી બેઠક કર્યા બાદ ચાંગડા દૂધ મંડળીની મુલાકાત લીધી હતી. જ્યાં પશુપાલક મહિલાઓને ક્રેડિટ કાર્ડનું વિતરણ કર્યું હતું.

ક્રેડિટ કાર્ડથી પશુપાલક મહિલાઓ 50 હજાર સુધીની 0%ના વ્યાજે ખરીદી કરી શકે છે અને આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પશુપાલક મહિલાઓનો આર્થિક ઉત્થાન થાય તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપીને પશુપાલક મહિલાઓ પગભર થાય તે દિશામાં બનાસ બેંકનું એક પગલું છે. આ પ્રકારે સહકારિતા દિવસની ઉજવણી થઈ રહી છે અને તેના ભાગરૂપે આ કાર્યક્રમ હતો જેમાં અમિત શાહ એ ચાંગડા ખાતે હાજરી આપી અને પશુપાલક મહિલાઓને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ પંચમહાલ જવા રવાના થયા હતા.

અમિત શાહે ગાંધીનગરમાં કરી ઉજવણી
આજે રાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય સહકારિતા દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યકમ ગુજરાત ખાતે યોજાયો હતો. ગાંધીનગર ખાતે પ્રથમ વખત સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.