સોમાભાઈને લઈ મનીષ દોશીનું નિવેદન- કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે તો રાજીનામું કેમનું આપે?
અમદાવાદ: પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલના રાજીનામાને લઇને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. મનીષ દોષીએ જણાવ્યું છે કે, સોમા પટેલ સામે 2020માં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સોમા પટેલને તત્કાલિન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પત્ર લખી રાજીનામાની વાત કરી હતી. મનીષ દોષીએ કહ્યું છે કે, સોમાભાઈ પટેલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા હોય તો રાજીનામું કેવી રીતે આપી શકે. સાથે જ મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું છે કે સોમાભાઈનું આવુ કાર્ય કોઈ અંગત હિત માટે હોય શકે છે.
મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈભાઈ પટેલે ગઇકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું હતું. જેમાં તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
સોમાભાઈ પટેલે રાજીનામામાં લખ્યું હતું કે, ‘હું કોળી સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર અને પૂર્વ ધારાસભ્ય લીંબડી. મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. મહત્વનું છે કે, આ રાજીનામાં પત્ર શક્તિસિંહ ગોહિલ સહિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદ સોલંકીને પણ મોકલ્યો છે.’ તો સોમાભાઈ પટેલે કહ્યું કે, ‘હું ચૂંટણી લડવાનો નથી.’