કાજલ હિંદુસ્તાનીના વિવાદિત નિવેદન બાદ પાટીદાર સમાજમાં આક્રોશ, મહારેલી યોજી વિરોધ
સુરતઃ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા સ્નેહ મિલનમાં કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજને ટાર્ગેટ કરી અને સમાજની દીકરીઓ વિરુદ્ધ એકદમ નિમ્ન કક્ષાનું કહી શકાય એવું ઘસાતું અને ભડકાઉ ભાષણ આપતા પટેલ સમાજ આઘાતથી સ્તબ્ધ થયો છે. ત્યારે હવે મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે સુરતમાં જાહેરમાં ટિપ્પણી કરનારી કાજલ હિન્દુસ્તાની મુશ્કેલીઓ વધી શકે છે. મોરબી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કરવાની અરજી દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર આપેલા વિવાદીત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિવાદીત નિવેદન મુદ્દે મોરબી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કરવાની અરજી દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી
કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કર્યા બાદ માફી ના માંગતા પાટીદાર સમાજમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મોરબીમાં પાટીદારોએ મહારેલી યોજીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે મનોજ પનારા સહિતના પાટીદાર આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો દાવો નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.