September 8, 2024

શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની મળી બેઠક

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ માટે બોલેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. આજે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠક મળી હતી. તાજેતરમાં જ રાજકોટના એક જાહેર કાર્યક્રમમાં બીજેપી પક્ષના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા એક વિવાદ નિવેદન ને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. જોકે આ રોષની આગ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ પ્રસરી ચુકી છે અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ ઉઠી છે.

આજે ગાંધીનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા શંકરસિંહ વાઘેલાના નિવાસ્થાને બેઠકનું આયોજન કર્યું હતું જોકે આ બેઠકની અંદર ગાંધીનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા, જોકે આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સમાજને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આ લડાઈ કોઈ સમાજ વચ્ચેની નથી કે ના કોઈ રાજકીય પક્ષ વચ્ચેની પરંતુ આ લડાઈ એક ઉમેદવાર સામેની છે જેથી સમાજ વતી દિલ્હી ખાતે આગામી 24 કલાકમાં રજૂઆત કરવામાં આવશે અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટીકા ટીપ્પણી કરનારા ઉમેદવારની ટિકિટ રદ થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં બીજેપીના દિલ્હી ખાતે રહેલા ઉચ્ચ નેતાઓને સમગ્ર ઘટના વિશે જાણ કરીને બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે અને જો 24 કલાકમાં બીજેપી દ્વારા આ ટિકિટ રદ નહીં કરવામાં આવે તો સમાજ આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો કરવા કેવી રીતે વિરોધ કરવો તેની રણનીતિ ઘડશે. આ ઉપરાંત કેટલાક ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું મન બનાવી લીધું છે જેથી હવે આ સમગ્ર મામલે દિલ્હી ખાતે બેઠેલા બીજેપીના નેતાઓએ હસ્તક્ષેપ કરીને સમગ્ર વિવાદ શાંત થાય તે માટે પરશોત્તમ રૂપાલાને ટિકિટ રદ થાય તે પ્રકારનો નિર્ણય જાહેર કરે.