September 8, 2024

અમરેલીમાં 5 દિવસ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલીઃ જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજુલા, ખાંભા, ગીર સહિતના તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બીજા રાઉન્ડના સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખાંભા ગીરનાં ગામડાંઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રબારીકા, સાળવા, પીપળીયા, પચપચીયા, ચકરાવા, ધુંધવાણા, કંટાળા, તાલડા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આંબલીયારા, દલડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડે છે. મુશળધાર વરસાદથી ગામડાંઓની શેરીઓ પાણી પાણી થઈ ગઈ છે. વાવણી બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જાફરાબાદના કોસ્ટલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ માઝા મૂકી છે. જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, લોઠપુર, વઢેરા, કડીયાળી ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ કોસ્ટલ બેલ્ટ પંથકને મેઘરાજા ઘમરોળી રહ્યા છે.

આ પણ વાંચોઃ 8 જિલ્લામાં વરસાદની આગાહી, મધ્ય-દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે

રાજુલા-ખાંભામાં પણ ધોધમાર વરસાદ
અમરેલીના રાજુલા તાલુકાના ગામડાઓમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. રાજુલા અને ખાંભાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોતરા ગામના શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. રાજુલાના ચોતરા, મીઠાપુર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ખાંભાના નાના બારમણ, મોટા બારમણ સહિત ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.