September 8, 2024

ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવનાર BJP નેતાને ટ્રાફિક પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

રાજકોટ: રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચન અપાયું છે, ટુ વ્હીલરમાં ત્રણ સવારી ન જવું જઈએ તેમજ કારમાં સીટ બેલ્ટ પહેરવો, કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ ચલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવી સહિતના નિયમોનું પાલન કરાવવા DGPએ અધિકારીઓને કડક સૂચના આપી છે. છતા કેટલાક લોકો ટ્રાફિક નિયમોના સરાજાહેર ધજાગરા ઉડાવતા હોય છે. એવામાં રાજકોટમાં BJP નેતાએ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર રોકતા પોલીસ અધિકારીઓ સાથે રોડ પર જ માથાકૂટ કરી હતી.

રાજકોટના વોર્ડ નંબર 2ના યુવા BJPના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર જે કારમાં સવાર હતા, તે કારના કાચ કાળી પટ્ટી લગાવેલી હતી સાથે જ તે કારની નંબર પ્લેટ પણ નહોતી. આ કારમાં વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા પણ સવાર હતા. જેથી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન તેમને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જે બાદ રાજકોટ ટ્રાફિક પોલીસ અધિકારીઓ સાથે બીજેપી નેતાઓએ રોડ પર જ માથાકૂટ શરૂ કરી દીધી હતી અને BJP કાર્યકર્તાઓ પણ રોડ પર એકઠા થઈ ગયા હતા.જોકે બીજેપી નેતાઓની ટ્રાફિક ડીસીપી તેમજ એસીપી સાથે ભારે રકઝક બાદ તેમની કારને ટોઇંગ સ્ટેશને લાવ્યા બાદ દંડ ભરીને કારને છોડવામાં આવી હતી.

રાજકોટના વોર્ડ નંબર 2ના યુવા BJPના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા સાથે ટ્રાફિક નિયમોને લઈ ડીસીપી તેમજ એસીપી સાથે ભારે રકઝક થઈ હતી. આ રકઝકને રસ્તેથી નિકળતી જાહેર જનતા પણ જોઈ રહી હતી. જોકે ટ્રાફિક નિયમોને લઈ બીજેપી નેતાઓને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે કાયદાનું ભાન કરાવી દીધુ હતું.