September 8, 2024

રાજ્યમાં ભારે વરસાદના કારણે 7 સ્ટેટ હાઈવે બંધ, 43 ગામોમાં વીજળી ગુલ

ગાંધીનગર: ગુજરાતમાં સંપૂર્ણ રીતે ચોમાસુ બેસી ગયું છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. એવામાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં તો બારે મેઘ ખાંગા થયા છે અને અહીં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દ્વારકા અને પોરબંદરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે રોડ-રસ્તા ધોવાઈ ગયા છે તો ખેતરો નદીમાં તબદીલ થઈ ગયા છે. આ દરમિયાન સરકારી તંત્રના આંકડા પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટના 7 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં પોરબંદરમાં 2, દ્રારકામાં 2 સ્ટેટ હાઇવે બંધ છે તો ભારે વરસાદને પગલે અન્ય 18 માર્ગો બંધ થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 168 પંચાયત માર્ગો બંધ થયા છે. જૂનાગઢમાં 73 અને પોરબંદર 68 રસ્તાઓ બંધ છે તો એક નેશનલ હાઇવે ધોધમાર વરસાદની ચપેટમાં આવતા બંધ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે કુલ 194 રસ્તાઓ બંધ છે. જેના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદથી હાહાકાર, નાગપુરમાં ઓરેન્જ એલર્ટ બાદ શાળા-કોલેજ બંધ

રાજ્યમાં વરસાદી આફતના કારણે કુલ 33 જિલ્લામાં વીજ વિભાગને અસર પહોંચી છે. ત્યાં જ રાજ્યના 5322 ગામોમાં વીજ પુરવઠો બંધ થયાની ફરિયાદ આવી હતી. જેમાંથી 5279 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 43 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. જેમાં દ્રારકાના 24 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. જૂનાગઢના 4 ગામોમાં વીજ પુરવઠો નથી. કચ્છના 6 ગામોમાં વીજ પુરવઠો નથી. પોરબંદરના 9 ગામોમાં પણ વીજ પુરવઠો નથી. જ્યારે ફીડરની 9945 ફરિયાદ આવી હતી, જેમાંથી કુલ 9704 ફીડરની ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે હજુ 241 ફીડર પર કામ કરવાનું બાકી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે કુલ 368 પોલ જમીનદોસ્ત થયા છે. ત્યાં જ 20 જેટલા ટ્રાન્સફોર્મર બંધ થયા છે.

બીજી તરફ દેવભૂમિ દ્રારકા અને પોરબંદરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેને જોતા રાજ્ય સરકારે NDRFની ટીમોને બંને જિલ્લામાં ખડકી દીધી છે. ભાટિયા પાસે એક કાર તણાઈ જતા બે લોકોનું NDRFની ટીમે સ્થાનિક તંત્રની આગેવાની હેઠળ અરેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદરમાં અતિવૃષ્ટિથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પોરબંદર જિલ્લા કલેકટર સાથે વરસાદી પરિસ્થિતિ અંગે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને લોકોની જાનમાલની સુરક્ષા અંગે તમામ વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. ત્યાં જ જરૂરર જણાય ત્યા NDRF અને કોસ્ટ ગાર્ડને પણ મદદ કરવા પણ સૂચના આપાવામાં આવી છે. હાલમાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા 25000થી વધુ ફુટ પેકેટ આપવામાં આવ્યા હતા.