September 8, 2024

ઘાંટવડમાં જંગલી જાનવરોએ 20 વીઘા શેરડીનાં ખેતરને ઘમરોળ્યું

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ ઘાંટવડ ગામમાં જંગલી જાનવરોના ત્રાસથી 20 વીઘા જમીન પર ઉગાડેલા શેરડીના ઊભા પાકને ઘમરોળી નાખ્યું છે. જંગલી જાનવરોના ત્રાસથી ખેડૂતોને મરવાના દિવસો આવ્યા છે. રોઝ અને જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.

કોડીનારના ઘાંટવડમાં જંગલી જાનવરના ત્રાસથી લોકો પાયમાલ બની રહ્યા છે. એકલ અને ભૂંડના ત્રાસથી 50 વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરી શકાતું નથી. પાકોમાં નુકસાન કરતા એકલ તેમજ રોઝ તથા ભૂંડથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ઘાંટવડ ગામમાં જંગલી જાનવરો જેવા કે, ભૂંડ અને રોઝનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ચોમાસું સિઝન તેમજ રવિ સિઝનમાં ખેડૂતોએ કમરતોડ મહેનત કરી વાવેલા મખમલ પાકને રોઝ અને ભૂંડ સફાચટ કરી નાંખતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચોઃ વલસાડના 10 ગામ પર ખતરો, પ્રોટેક્શન વોલ નહીં બનાવે તો દરિયામાં ગરકાવ થશે!

આ આફતથી પાકને બચાવવા ખેડૂતો રાતનાં ઉજાગરા કરવા મજબૂર બન્યાં છે. જંગલી જાનવરો પાકનો બગાડ કરી રહ્યા છે. કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદિર સીમમાં રોઝ નીલગાય ભૂંડ અને એકલ જેવા જંગલી જાનવરોનો ભયંકર ત્રાસ હોવાથી ખેડૂતોને આજુબાજુ વિસ્તારમાં 50 વીઘાથી વધારે જમીનમાં શેરડીનું વાવેતર કરવાનું ટાળી રહ્યાં છે. ધરતીપુત્રો જંગલી રોઝ અને ભૂંડથી પાકને બચાવવા ખેતર વચ્ચે ચાલુ વરસાદે રાતરોકાણ કરી પાકનું રક્ષણ કરી રહ્યા છે. ઉભા પાકમાં જંગલી જાનવરો પાકનો બગાડ કરતા હોવાથી ધરતીપુત્રોને ખેતરોમાં 24 કલાક રોકાવવાની ફરજ પડી રહી છે.