September 8, 2024

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હાલમાં મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. ઑફશોર ટ્રફ, શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ વરસે તેવી સંભાવના છે.

કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને રાજકોટમાં અતિભારે ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.