September 8, 2024

હવામાન નિષ્ણાતની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે

સાગર ઠાકર, જૂનાગઢઃ જિલ્લાના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને ખગોળ વિજ્ઞાન તથા નક્ષત્ર આધારિત આગાહી કરતા રમણીકભાઈ વામજાએ આગામી એક અઠવાડિયા માટે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.

ચાલુ વર્ષે સૌપ્રથમવાર બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે. જેને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો છે. પરંતુ આગામી એક અઠવાડિયામાં ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ ભરૂચની અમરાવતી ખાડીમાં અચાનક પાણી વધ્યું, યુવાન જીવ બચાવવા ઝાડ પર ચડ્યો!

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અંદાજે 8થી 12 ઈંચ જેટલો ભારેથી અતિભારે વરસાદ થશે તેવું હવામાન નિષ્ણાંતોનું માનવું છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે અને તે સિવાયના રાજ્યના અન્ય વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ સરેરાશ આગામી એક અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. ચોમાસું શરૂ થયું ત્યારથી વરસાદ પડ્યો હોવા છતાં બફારો રહેતો હતો. જ્યારે આગામી અઠવાડિયાના વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળશે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે.