September 8, 2024

હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ: અંજની મહાદેવમાં વાદળ ફાટ્યું, અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ

Himachal Pradesh Weather: હિમાચલ પ્રદેશના મનાલીમાં સોલંગનાલા પાસે આવેલા અંજની મહાદેવમાં ગઇકાલે મોડી રાત્રે વાદળ ફાટતાં પલચાનમાં પ્રલય જેવી સ્થિતિ ઊભી થઈ. પલચાન બ્રિજ પર કાદવકીચડ ખડકાઈ જતાં મનાલી-લેહ હાઇવે બ્લોક થયો હતો. આ ઉપરાંત, નદીમાં બનેલા એક પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. SDM મનાલી રમણ કુમાર શર્મા રાત્રે જ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નદી કાંઠે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે પૂર આવતા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.

ઘણા ભાગોમાં સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ
હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં આજથી 31 જુલાઈ સુધી ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાથે સાથે, ગત રાત્રે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. પાલમપુરમાં 68.0 મીમી, ધૌલાકુઆંમાં 44.0 મીમી, નયનાદેવીમાં 42.6મીમી, ધર્મશાલામાં 35.4 મીમી, બીબીએમબીમાં 27.0 મીમી, ડેલહાઉસીમાં 25.0 મીમી, શિમલા 24.8 મીમી અને ચંબામાં 22.0 મીમી વરસાદ નોંધાયો છે.

ઉત્તર ચંબાની બનીખેત વિસ્તાર હેઠળ આવતી નગાલી પંચાયત મજધાર ગામમાં મંગળવારે મધ્યરાત્રિએ એક મકાન અને એક ગૌશાળાની છત ઊડી ગઈ હતી. બુધવારે સવારે સાત વાગે ચંબા-તલેરું હાઇવે પર છઔ પાસે ગરનાળાનું જળસ્તર વધતાં દોઢ કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો.

શિમલા-ચક્કર-મનાલી રોડ પર પ્રિન્ટિંગ પ્રેસ પાસે ભૂસ્ખલન
શિમલા-ચક્કર-મનાલી રોડ પર પ્રિન્ટિંગ પ્રેસ પાસે ભૂસ્ખલનને કારણે ગુરુવારે સવારે વાહનવ્યવહાર થંભી ગયો હતો. જેના કારણે હાઇવે પૂર્વવત ન થાય ત્યાં સુધી વાહનોને તાવી પાસથી બાલુંગજ થઈને મોકલવામાં આવી રહ્યા છે. આ પછી સાડા નવ વાગ્યે સાર્વજનિક બાંધકામ વિભાગે હાઇવેને પુનઃસ્થાપિત કર્યો હતો.