September 8, 2024

Paris Olympics 2024: નીતા અંબાણી કરશે ભારતનું નેતૃત્વ, IOC તરીકે થયા નિયુક્ત

Paris Olympics 2024: પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહ પહેલા, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ આજે ​​જાહેરાત કરી છે કે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી નીતા એમ. અંબાણી IOC તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાયા છે. પેરિસમાં હાલમાં ચાલી રહેલા 142મા IOC સત્રમાં ભારત 100% મત સાથે સર્વસંમતિથી જીત્યું.

શ્રીમતી નીતા. એમ. અંબાણીએ જણાવ્યું હતું કે ‘ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ફરી ચૂંટાઈને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. હું પ્રેસિડેન્ટ બચ અને IOCમાં મારા તમામ સાથીઓનો મારા પ્રત્યે વિશ્વાસ અને ભરાસા માટે આભાર માનું છું. વધુમાં કહ્યું કે, આ પુનઃચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવની ઓળખ પણ છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શેર કરું છું અને ભારત અને સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિક મુવમેન્ટને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવાની રાહ જોઉં છું.”

નોંધનીય છે કે, નીતા અંબાણીને રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં 2016 માં પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવા માટે સૌપ્રથમ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી, IOCમાં જોડાનાર ભારતની પ્રથમ મહિલા તરીકે, નીતા અંબાણીએ પહેલેથી જ એસોસિએશન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઓલિમ્પિક વિઝનને પણ આગળ ધપાવ્યું છે. તાજેતરમાં ઓક્ટોબર 2023માં મુંબઈમાં 40 વર્ષથી વધુ સમયથી પ્રથમ IOC સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નવા, મહત્વાકાંક્ષી ભારતને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરનાર તરીકે બિરદાવવામાં આવ્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે, નીતા અંબાણી લાખો ભારતીયોને સંસાધનો અને તકો સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. તેણી રમતગમત, શિક્ષણ, આરોગ્ય, કલા અને સંસ્કૃતિમાં વિવિધ પહેલો ચલાવે છે. આ તમામનો હેતુ સમગ્ર દેશમાં લોકોના જીવનમાં સુધારો લાવવાનો છે.રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં રમતગમતના વિકાસમાં અગ્રેસર છે, અને તેની શરૂઆતથી જ તે ભારતમાં 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો સુધી તેના કાર્યક્રમો દ્વારા રમતગમતને પાયાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધી પ્રોત્સાહન આપી રહી છે. સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને દૂરના સ્થળોએ જ્યાં રમતગમત અને સાધનોની પહોંચ સરળ નથી.