September 8, 2024

ફિઝિકલ ટેસ્ટ અને વયમર્યાદામાં છૂટ, અગ્નિવીરોને આસામ રાયફલ્સ અને CAPFમાં આરક્ષણ

Agniveer Reservation: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બુધવારે 24 જુલાઇના રોજ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)અને આસામ રાયફલ્સમાં કોન્સ્ટેબલ (જનરલ ડયુટી) અથવા રાઇફલમેનની પોસ્ટ પર થનાર ભરતીમાં અગ્નિવીરોને 10% આરક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે કે અગ્નિવીરોને વયમર્યાદા અને ફિઝિકલ ટેસ્ટમાં પણ છૂટ આપવામાં આવી છે.

અગ્નિવીર હેઠળ ભારતીય સેના, નૌસેના અને વાયુસેનામાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે. આ સશસ્ત્ર દળોમાં નિમણૂકની એક નવી કેટેગરી છે. જે અંતર્ગત ભરતી થનાર 75 ટકા અગ્નિવીર ચાર વર્ષની સેવા બાદ કોઈપણ પેન્શન લાભ વિના નિવૃત્ત થાય છે. બાકીના 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે દળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે સરકારે હવે તેમાંથી 75 ટકા અગ્નિવીરો માટે પણ રોજગારની વ્યવસ્થા કરી છે.

CAPF અને આસામ રાયફલ્સમાં કેટલી પોસ્ટ ખાલી?
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે CAPF અને આસામ રાઈફલ્સમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને પણ માહિતી આપી. તેમણે રાજ્યસભામાં જણાવ્યું, “CAPF અને આસામ રાઈફલ્સમાં 1 જુલાઈ, 2024 સુધી ખાલી જગ્યાઓની સંખ્યા 84,106 છે, બંને સેનાઓમાં કુલ 10,45,751 મંજૂર પોસ્ટ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે “એપ્રિલ 2023 થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 67,345 લોકોની ભરતી કરવામાં આવી. ઉપરાંત, 64,091 ખાલી જગ્યાઓ નોટિફાય કરવામાં આવી છે અને આ જગ્યાઓ પર ભરતી જુદા જુદા તબક્કામાં છે. તે સ્પષ્ટ છે કે દળોના કદની સરખામણીમાં ખાલી પદોની સંખ્યાને કારણે ઓવરટાઈમ કરવાનો સવાલ જ નથી ઊઠતો.”

અગ્નિવીરો માટે સરકારે શું કામ કર્યું?
અગ્નિવીરોને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું, “કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં અને આસામ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)/રાઈફલમેનની પોસ્ટ પર ભરતીમાં પૂર્વ અગ્નિવીર માટે ખાલી જગ્યાઓમાંથી 10% અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ઉપરાંત, વય મર્યાદામાં છૂટ અને ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટમાંથી છૂટછાટ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.