સુરતમાં મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો
સુરતઃ લોકશાહીના ચોથા સ્થંભ સમાન મીડિયાના પત્રકારમિત્રો સતત દોડધામભરી કામગીરીમાં સ્વાસ્થ્યની કાળજી લઈ શકે અને જરૂરી નિદાન, હેલ્થ ચેકઅપ દ્વારા આવનારી બીમારીને નિવારી શકે એવા ઉમદા હેતુ સાથે જર્નલિસ્ટ્સ ફેડરેશન–સુરતના પ્રમુખ મનોજભાઈ શિંદેના માર્ગદર્શન હેઠળ ફેડરેશનના જનરલ સેક્રેટરી તેજશ મોદી, નવી સિવિલના ટી.બી. અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, ડો.સમીર ગામી, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા જાણીતા તબીબોના સહયોગ અને સંકલનથી યુનિસન ડાયગ્નોસ્ટીક સેન્ટર, પાર્લે પોઈન્ટ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સુરતના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના 80થી વધુ પ્રતિનિધિઓ તેમજ અન્યોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ-ક્લિનિકલ ડાયગ્નોસિસ કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે 7થી 2 વાગ્યા દરમિયાન આયોજિત કેમ્પમાં ફિઝિશિયન ડો. મેહુલ ભાવસાર, આઈ સ્પેશ્યાલિસ્ટ ડો. તુષાર પટેલ, સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો.જગદીશ સખીયા, હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. શિલ્પેશ ચાંપાનેરીયા, દાંતના વિશેષજ્ઞ ડો.જિગીષા શાહ, ગાયનેક ડો.સોનિયા ચંદાની, સર્જન ડો. સંદીપ માંગુકિયા, ડો.હરમિત કલસરીયા, ડો.નિરાલી વાંસિયા, ડો.જગદીશ વઘાસીયાએ વિવિધ અખબારોના તંત્રી, પત્રકારો, કેમેરામેન, ફોટોગ્રાફર મિત્રો, વિવિધ અખબારોના સંપાદકીય વિભાગમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્યનું નિદાન કર્યું હતું. આ સાથોસાથ બ્લડ-યુરિન ટેસ્ટ, કમ્પ્લીટ હિમોગ્રામ, લિપીડ પ્રોફાઈલ, લિવર ફંકશન ટેસ્ટ, રેનલ ફંકશન ટેસ્ટ(કિડની), ચેસ્ટ એક્ષ-રે, ECG(કાર્ડિયોગ્રામ), ટુડી ઈકો રિપોર્ટ નિઃશુલ્ક કરાયા હતા.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
સતત રિપોર્ટીંગ-કવરેજની તણાવભરી કામગીરી વચ્ચે પત્રકારો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી. ત્યારે જર્નલિસ્ટ્સ ફેડરેશનના આ આયોજનને તમામ મીડિયાકર્મીઓએ બિરદાવ્યું હતું. આ સાથે મેડિકલ કેમ્પ આરોગ્ય માટે લાભદાયી બની રહે છે, જેથી આ પ્રકારના કેમ્પ અવારનવાર યોજાતા રહે એવી સૌએ અપેક્ષા વ્યક્ત કરી હતી. આ કેમ્પમાં ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રી મનોજ મિસ્ત્રી, ધબકારના તંત્રી નરેશભાઈ વરિયા, ખબર છે.કોમના વિરાંગ ભટ્ટ, લોકસત્તા-જનસત્તા, સુરતના તંત્રી રાજુભાઈ સાળુંકે, લોકતેજના તંત્રી કુલદીપ સનાઢ્ય, નવી સિવિલના ડો.ગણેશ ગોવેકર, ડો.કેતન નાયક, જર્નલિસ્ટ્સ ફેડરેશનના અન્ય હોદ્દેદારો, સભ્યો સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.