September 8, 2024

ગે એપ દ્વારા યુવકને ફસાવી લૂટવાના કેસમાં વરાછા પોલીસે કરી 2 આરોપીઓની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ, ઘણી વખત આ સોશિયલ મીડિયા લોકો માટે મુશ્કેલી રૂપ સાબિત થતું હોય છે. સોશિયલ મીડિયા ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ સાથે કે મહિલાઓ સાથે વાતચીત બાદ લોકો હનીટ્રેપના શિકાર બન્યા હોવાની ઘટના પણ સામે આવે છે. ત્યારે સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી એક યુવક સાથે ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું. મહત્વની વાત છે કે યુવક પાસેથી રૂપિયા રોકડા નહીં પરંતુ ડિજિટલ રીતે ટ્રાન્સફર કરાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇ વરાછા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આ ઘટનાને લઇ બે ઇસમોની ધરપકડ કરી છે.

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકને મળવા બોલાવી લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી હતી. આ બાબતે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગ્રિન્ડર નિયર બાય ગે ડેટિંગ અને ચેટ નામની એપ્લિકેશનમાં તેનો સંપર્ક હિતેશ નામના યુવક સાથે થયો હતો. ફરિયાદી દ્વારા એપ્લિકેશન 10 દિવસ પહેલા ડાઉનલોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ એપ્લિકેશનની મદદથી યુવક હિતેશ સાથે વાતચીત કરતો હતો.

હિતેશ દ્વારા ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ઘનશ્યામ નગરની એક રૂમમાં મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે આ યુવક એપ્લિકેશન પર સંપર્ક થયેલા હિતેશને મળવા માટે ઘનશ્યામ નગરના રૂમ ખાતે ગયો અને રૂમમાં હિતેશ અને ફરિયાદી બંને વાત કરતા હતા, તે સમયે અજાણ્યા ત્રણ ઈસમો એકાએક જ રૂમમાં આવી ગયા હતા અને અહીંયા શું કરો છો તેવું કહીને ફરિયાદીનો મોબાઇલ લઈ લીધો હતો. બાદમાં ફરિયાદીને ધમકાવી તેના મોબાઇલમાંથી google pay ના માધ્યમથી 17,110 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીને પોતાનો મોબાઈલ પરત આપી દીધો હતો.

 

આ ઉપરાંત પૈસા ટ્રાન્સફર કર્યા બાદ અજાણ્યા ઇસમો દ્વારા ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી કે આ બાબતે જો કોઈને જાણ કરવામાં આવશે તો તને છોડીશું નહીં અને ત્યારબાદ આ તમામ ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે વરાછા પોલીસ દ્વારા હિતેશ અને નીતિન નામના બે ઈસમોને ધરપકડ કરવામાં આવી છે અને આ બંને આરોપીઓની પૂછપરછ પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. અગાઉ આ બંને અને તેમના સાથીદારો કેટલા લોકો સાથે આ પ્રકારનું કૃત્ય કરી પૈસા પડાવી ચૂક્યા છે તે બાબતે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.